નવી દિલ્હી તા.3: ભારતીય મૂળની માત્ર 11 વર્ષીય ચેસ ખેલાડી બોધના શિવાનંદન આંતરરાષ્ટ્રીય શતરંજ મહાસંઘ (ફિડે)ના નવા વિશ્વ ક્રમાંક અનુસાર ઇંગ્લેન્ડની ટોચની મહિલા ચેસ ખેલાડી છે. આ 11 વર્ષીય ખેલાડીના માતા-પિતા 2007માં તામિલનાડુના તિરૂચિરાપલ્લીથી ઇંગ્લેન્ડ પહોંચ્યા હતા. ફિડે રેન્કિંગમાં બોધના શિવાનંદનના 2366 રેટિંગ પોઇન્ટ છે. તેણીએ ફિડે સૂચિમાં ચાર વખતની બ્રિટીશ મહિલા ચેમ્પિયન 2પ વર્ષીય લેન યાઓને પાછળ રાખી દીધી છે. આ સાથે તે પહેલીવાર ટોચની 100 શતરંજ મહિલા ખેલાડીમાં સામેલ થઇ છે. હાલ બોધના 72મા ક્રમાંકે છે. ઇંગ્લેન્ડ ચેસ ફેડરેશને આ જાણકારી જાહેર કરી છે. ભારતીય મૂળના પૂર્વ બ્રિટીશ વડાપ્રધાન ઋષિ સુનકે હોનાહાર ચેસ ખેલાડી બોધના શિવાનંદનને બિરદાવી છે. આ સાથે પોતાના પીએમ નિવાસસ્થાને બોધના સાથે અગાઉ રમેલા એક ચેસ મુકાબલાને યાદ કર્યોં હતો.