બપોરે થયેલા ઝઘડા બાદ મોડી સાંજે ફરી મારામારીની ઘટના બની : બન્ને પક્ષના કેટલાક શખસોની અટકાયત : જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો
ગઢડા,
તા. 4: ગઢડા (સ્વામીના)ના વીંછિયાપરા વિસ્તારમાં ગાયને માર મારવાની ઘટનામાં થયેલા ઝઘડાએ
મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બાબતે સંવેદનશીલતાને ધ્યાને રાખી, પોલીસે બંને પક્ષે
આરોપીઓની ધરપકડ અને બંદોબસ્ત સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
વીંછિયાપરા
વિસ્તારમાં ગત બપોરે લોખંડના પાઇપ વડે ગાયોને મારતા અટકાવવા અને ગાયોને ક્રૂર રીતે
નહીં મારવા સમજાવતા ઝઘડો કરી ચાર લોકોને માર મારવાની ઘટનાથી શેરીના લોકો, મહિલાઓ સહિત
મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ફરિયાદી દિલીપભાઈ રાઠોડની ફરિયાદ મુજબ આરોપીઓ
અકિલ યુનુસભાઇ સૈયદ, સગીર પુત્ર, સાજીદાબેન યુનુસભાઇ સૈયદ અને ખુશ્બુબેન યુનુસભાઇ સૈયદ
મળીને કુલ ચારેય આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી હાજર મળી આવેલા આરોપીની ધરપકડ કરી હતી.
મોડી
સાંજે બપોરની ફરિયાદના આરોપી પક્ષે કુટુંબી લોકોની અવર જવરના સમયે કેટલાક લોકો સાથે
બોલાચાલી થતા પુન: મામલો ગરમાયો હતો. જેના કારણે રફીકભાઇ હાજીભાઈ સૈયદ સહિતના લોકોને
માર મારતા રફિકભાઈને સારવાર માટે બોટાદ ખસેડાયા હતા. તેમજ અન્ય બે વ્યક્તિને નાની મોટી
ઇજાઓ થયાનું બહાર આવ્યું છે. આ બનાવના પગલે ઉગ્ર અને તણાવયુક્ત બનેલા વાતાવરણથી સ્થાનિક
અને બોટાદ એલ.સી.બી. સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો. સામા પક્ષે આરોપી નિકુંજ મકાણી,
કિશન લંગાળિયા, હિતેશ મકવાણા, વિશાલ મકવાણા, અશ્વિન રોજાસરા, પ્રવીણ રોજાસરા અને આકાશ
રાઠોડ તેમજ કેટલાક અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી નામ જોગ સંડોવાયેલા સાત આરોપીની
અટકાયત કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષકે મોડી રાત્રે બનાવ સ્થળની મુલાકાત લઈ શેરીમાં
કોમ્બિંગ કરી હુમલાખોરોને ઘરેથી બહાર લાવી અટકાયત કરી હતી. આ સમગ્ર ઘટનાને વિશ્વ હિન્દુ
પરિષદ દ્વારા વખોડીને કડક કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે.