જૂની અદાવતનો ખાર રાખી બાઈક સળગાવ્યાની આશંકા : સીટી પોલીસે ત્રણ શકમંદોની પૂછપરછ હાથ ધરી
જેતપુર,તા.17
: જેતપુર નગરપાલિકામાં સફાઈ કામદારોની હાજરી પૂરતા પટ્ટાવાળાના ઘર પાસે પાર્ક કરેલા
બે મોટરસાયકલ મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ સળગાવી દેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે
સીટી પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બનાવની
વિગત મુજબ, જેતપુરના કણકીયા પ્લોટ વિસ્તારમાં રહેતા અને નગરપાલિકામાં ફરજ બજાવતા દીપકભાઈ
ઝાલા ગત તા.13ના રોજ રાત્રે જમીને સુઈ ગયા હતા. દરમિયાન મોડી રાત્રે અંદાજે ત્રણ વાગ્યાની
આસપાસ તેમના પુત્ર ગૌતમે જગાડીને ઘરની બહાર કંઈક સળગતું હોવાની જાણ કરી હતી. દીપકભાઈએ
બહાર નીકળીને જોતા ઘર સામે પાર્ક કરેલા તેમના બે બાઈક ભડભડ સળગી રહ્યા હતા. તેમણે તાત્કાલિક
પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી, પરંતુ ત્યાં સુધીમાં વાહનોને નુકસાન પહોંચ્યું હતું.
આ ઘટનાને
પગલે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. દીપકભાઈએ પોલીસ ફરિયાદમાં આશંકા વ્યક્ત કરી
છે કે, અંદાજે બે વર્ષ પહેલા પ્રવિણભાઈ વાઘેલા સાથે થયેલા ઝઘડાની અદાવત રાખીને આ કૃત્ય
કરવામાં આવ્યું હોઈ શકે છે. ફરિયાદના આધારે જેતપુર સીટી પોલીસે ત્રણ શકમંદોની અટકાયત
કરી તેમની સઘન પૂછપરછ શરૂ કરી છે.