ખોટી
રીતે ફસાવ્યાનો સરપંચનો દાવો
તળાજા,
તા.18 : નવી છાપરી ગામે પવનચક્કીના એક સુપરવાઇઝરે નવી છાપરી ગામના સરપંચ અને એક અજાણી
વ્યક્તિએ માર મારી ધમકી આપ્યાની ફરિયાદ તળાજા પોલીસમાં નોંધાવી છે તો બીજી તરફ સરપંચે
લેટરપેડ પર દાવો કર્યો છે કે, ગૌચરની જમીનમાં ખોદકામ ન કરવા દેતા ખોટી રીતે ફસાવવામાં
આવ્યા છે.
તળાજાના
રામપરા ગામના રહેવાસી અને કે. પી. એનર્જી કંપનીના કર્મચારી કાનાભાઈ કાળાભાઈ કોબાડએ
નવી છાપરી ગામના સરપંચ યુવરાજાસિંહ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યા મુજબ ગઈકાલે ફરિયાદી તથા જે.સી.બી.ના અજય ભમ્મર નવી છાપરી ગામેથી પવનચક્કી
સુધી રોડ બનાવવાનું કામ કરતા હતા. આ સમયે સરપંચ અને એક અજાણ્યા શખસે આવી રોડનું કામ
અટકાવ્યું હતુ. સરપંચ અને અજાણ્યા શખસે ફરિયાદી અને સાહેદ બન્નેને માર મારી જાનથી મારી
નાખવાની ધમકી આપી હતી. બીજી તરફ સરપંચ સરવૈયા યુવરાજાસિંહએ પોતાના લેટરપેડ પર દાવો
કર્યો છે કે, કે.પી.એનર્જીના માણસો ગૌચરમાં ખોદકામ કરી માટી લઈ જતા હોય અને ગેરકાયદે
રીતે રસ્તો બનાવતા હોય તે બાબતે સમજાવતા અને મંજૂરી વગર જ કામ કરતા અટકાવતા ખોટી રીતે
ફસાવી દેવામાં આવ્યા છે.