• બુધવાર, 18 માર્ચ, 2026

ગુંદરણ નજીક નકલી દૂધની ફેકટરી ઝડપાઇ રોજનું 6000 લીટર ઝેર ડેરીઓમાં સપ્લાય થતું

-યુરિયા-પામ ઓઈલથી બનતું ઝેરી દૂધ; ડાયાબિટીસથી કેન્સર સુધીનું જોખમ

તાલાલા, વેરાવળ તા.17: ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી નકલી દૂધ બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પોલીસે લાલ આંખ કરી છે. ગુંદરણ ગામ નજીક આવેલા પ્રેમનગર નેસ વિસ્તારમાં કાર્યરત નકલી દૂધની ફેક્ટરી પર દરોડો પાડી પોલીસે કુલ 4,68,140નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દૂધ તાલાલા પંથકની ડેરીઓમાં સપ્લાય કરવાનું કૌભાંડ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અહીં 6 હજાર લીટર દૂધનું રોજ ઉત્પાદન કરાતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. નકલી દૂધમાં વપરાતા હાનિકારક પદાર્થોને કારણે સેવન કરનારને કેન્સર, ડાયાબિટિસ, આંતરડામાં ચાંદા તેમજ પાચનતંત્રને લગતા અનેક ભયંકર રોગ થઈ શકે છે.

મળતી માહિતી પ્રમાણે આરોપી પામ ઓઈલ, માલ્ટોડેક્સટ્રિન (સ્ટાર્ચ પાવડર) અને યુરિયા જેવા જોખમી કેમિકલ્સ મિક્સ કરીને નકલી દૂધ તૈયાર કરતો હતો. દરોડા દરમિયાન મુદ્દામાલ જપ્ત કરાયો છે. જેમાં 3120 કિલો તૈયાર નકલી દૂધ, પામ ઓઈલનો જથ્થો, માલ્ટોડેક્સટ્રિન સ્ટાર્ચ પાવડર, અમૂલ દૂધનો પાવડર અને ગેસ સિલિન્ડર સહિતની સાધન સામગ્રી સામેલ છે. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે આરોપી રવિ કરમટા દરરોજ સવારે 3000 લીટર અને સાંજે 3000 લીટર એમ કુલ 6000 લીટર નકલી દૂધનું ઉત્પાદન કરતો હતો. આ જથ્થો તાલાલા વિસ્તારની વિવિધ દૂધ ડેરીઓમાં સપ્લાય કરવામાં આવતો હતો. ફૂડ સેફ્ટી ઓફિસર એસ.એસ. રાવલની ટીમે દૂધના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે. તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી વિગતો મળી હતી. આરોપી દ્વારા પામ તેલ અને અજાણ્યા સફેદ પાવડરના મિશ્રણથી નકલી દૂધ તૈયાર કરવામાં આવતું હતું. સ્થળ પરથી આ ભેળસેળયુક્ત દૂધ બનાવવા માટે વપરાતી વિવિધ સાધન-સામગ્રી અને કાચો માલ મળી આવ્યો હતો. જો આ જથ્થો બજારમાં પહોંચ્યો હોત તો લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું થઈ શકત. યુરિયા અને પામ ઓઈલયુક્ત આ દૂધના સેવનથી કેન્સર, ડાયાબિટીસ, પાચનતંત્રના રોગો અને આંતરડામાં ચાંદા પડવા જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈપણ શખસને છોડવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક