• બુધવાર, 18 માર્ચ, 2026

ભાવનગર : નાગધણીબામાં ખેડૂત પાસે લેણા પૈસા માગવા ભારે પડયા ભાગિયાએ મિત્રો સાથે મળી 3 લાખની લૂંટ ચલાવી

ભાવનગર, તા.17 : ભાવનગર જિલ્લાના નાગધણીબા ગામે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પોતાના જ ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા શખસ પાસે બાકી લેણાની ઉઘરાણી કરતા ખેડૂત પર જીવલેણ હુમલો કરી રૂ. 3 લાખના સોનાના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નાગધણીબા ગામના રહેવાસી અશોકભાઈ ઇટાલિયાનાં ખેતરમાં સંજયભાઈ પરમાર નામનો શખસ ભાગિયા તરીકે કામ કરતો હતો. ખેતીકામ પૂર્ણ થયા બાદ હિસાબ કરતા સંજયભાઈ પાસેથી અશોકભાઈને રૂ.15,500 લેવાના નીકળતા હતા. અશોકભાઈએ આ રકમની અવારનવાર માગણી કરી હતી પરંતુ સંજયભાઈએ પૈસા આપવાને બદલે ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અશોકભાઈ નાગધણીબાથી ભંડારિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે સંજયભાઈ અને તેના ત્રણ સાથીદારોએ અશોકભાઈની ગાડી આંતરી હતી. આરોપીઓએ તેમને ગાડીમાંથી બહાર ખેંચી ઢોર માર માર્યો હતો અને તેમના ગળામાંથી સોનાનો ચેન તથા હાથની બે સોનાની વીંટી રૂ.3 લાખ લૂંટીને ફરાર થઈ

ગયા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક