• ગુરુવાર, 19 માર્ચ, 2026

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને કેબિનેટની લીલીઝંડી

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સમાન નાગરિક સંહિતા બિલના ડ્રાફ્ટને અપાઈ મંજૂરી

ઉત્તરાખંડના મોડલ પર આધારિત આ કાયદો રાજ્યમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક બનાવશે

લિવ-ઇનમાં જન્મેલું બાળક કાયદેસરનું સંતાન ગણાશે! વારસાઈમાં હક મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.18 : ગુજરાત સરકારે રાજ્યમાં સામાજિક સમાનતા અને કાનૂની એકરૂપતા લાવવા માટે યુનિફોર્મ સિવિલ કોડ (ઞઈઈ) તરફ મોટું ડગલું ભર્યું છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ઞઈઈ બિલના ડ્રાફ્ટને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. ઉત્તરાખંડના મોડલ પર આધારિત આ કાયદો રાજ્યમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક અને સમાન બનાવવા માટે લાવવામાં આવી રહ્યો છે. આ પગલું સામાજિક સમાનતા અને કાનૂની એકરૂપતા તરફનું મોટું પરિવર્તન માનવામાં આવી રહ્યું છે.

આ બિલમાં લગ્ન, વારસાઈ મિલકત અને ખાસ કરીને લિવ-ઇન રિલેશનશિપને લઈને કડક અને સ્પષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. આ બિલને 5 સભ્યોની કમિટી દ્વારા જોઈ- ચકાસીને પાસ કરવામાં આવ્યું છે જેમાં રંજના દેસાઈની અધ્યક્ષતામાં દક્ષેશ ઠાકર, ગીતાબેન શ્રોફ, આર. સી. કોડેકર અને સી. એલ. મીણા સભ્યો દ્વારા મહોર લગાવવામાં આવી છે. 

નવા ડ્રાફ્ટ મુજબ, ગુજરાતમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા દંપતીઓએ રજિસ્ટ્રાર પાસે ફરજિયાત નોંધણી કરાવવી પડશે. જો કોઈ વ્યક્તિ એક મહિનાથી વધુ સમય સુધી નોંધણી વગર લિવ-ઇનમાં રહેશે, તો તેને 3 મહિનાની જેલ અથવા 10,000 સુધીનો દંડ થઈ શકે છે. લિવ-ઇન દરમિયાન જન્મેલું બાળક દંપતીનું કાયદેસર સંતાન ગણાશે અને તેને તમામ વારસાકીય હકો મળશે. જો કોઈ લિવ-ઇન પાર્ટનરની ઉંમર 21 વર્ષથી ઓછી હશે, તો રજિસ્ટ્રારે તેમના માતા-પિતાને જાણ કરવી પડશે. લિવ-ઇન પાર્ટનર દ્વારા ત્યજી દેવાયેલી સ્ત્રી ભરણપોષણનો દાવો કરવા હકદાર ગણાશે.

ઞઈઈ લાગુ થયા બાદ રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જોકે, નોંધણી ન હોવા છતાં લગ્ન અમાન્ય નહીં ગણાય, પરંતુ દંડ ભરવો પડશે. લગ્ન માટે પુરુષની ઉંમર 21 અને મહિલાની 18 વર્ષ હોવી અનિવાર્ય છે. છૂટાછેડાના કિસ્સામાં, લગ્નના એક વર્ષ પૂર્ણ થયા પહેલા અરજી કરી શકાશે નહીં. આ જોગવાઈ પાછળનો હેતુ ઉતાવળમાં લેવાતા નિર્ણયો અટકાવવાનો છે.

-----------------

વારસાઈ અને મિલકતમાં સમાનતા

મિલકતના વારસા હક બાબતે ઞઈઈ ઐતિહાસિક પરિવર્તન લાવશે. અત્યાર સુધી અલગ-અલગ ધર્મોમાં વારસાના નિયમો જુદા હતા, પરંતુ હવે ધર્મ કે જાતિના ભેદભાવ વગર પુત્ર અને પુત્રી બંનેને મિલકતમાં સમાન અધિકાર મળશે. વસિયતનામું (ઠશહહ) બનાવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે જેથી ભવિષ્યમાં વારસદારો વચ્ચે કાયદાકીય વિવાદો ન સર્જાય. આ પગલાથી ખાસ કરીને મહિલાઓને આર્થિક સુરક્ષા અને સમાનતાનો હક મળશે, જે સામાજિક ન્યાયની દિશામાં મોટું કદમ છે. આ ઉપરાંત ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને ધ્યાને રાખીને, અનુસૂચિત જનજાતિ (જઝ) અને અમુક વિશિષ્ટ સમુદાયોને તેમની પરંપરાગત પ્રથાઓ જાળવી રાખવા માટે આ સંહિતાની કેટલીક જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સમગ્ર પ્રસ્તાવ રાજ્યમાં કાનૂની પ્રક્રિયાને સરળ, પારદર્શક અને સમાન બનાવવા તરફ મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે. હવે આ બિલના અમલ અને તેના સામાજિક પ્રભાવ પર સૌની નજર રહેશે.આગામી 25 માર્ચના રોજ વિધાનસભામાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે, જે ગુજરાતના કાયદાકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય લખશે. બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ યુસીસીનો મુદ્દો માસ્ટર સ્ટ્રોક ગણાઈ રહ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક