-ખાડી યુદ્ધમાં સામેલ બ્રિક્સનાં સદસ્યો સાથે સરકારની વાતચીત
નવી
દિલ્હી, તા.17: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને લઈને આજે વિદેશ મંત્રાલયના પ્રવક્તા
રણધીર જયસ્વાલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, ઈરાન અને અન્ય દેશો સાથે વાટાઘાટ
ચાલી રહી છે અને હોર્મુઝ ખાડીમાં અટવાયેલા ભારતીય જહાજોને સુરક્ષિત રીતે પરત લાવવાં
સરકારની પ્રાથમિકતા છે.
રણધીર
જયસ્વાલે કહ્યું હતું કે, ઈરાન અને અન્ય દેશો સાથે સરકારની ચર્ચા ચાલી રહી છે. ઘણા
જહાજો હજુ પણ હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા છે. સરકારનું લક્ષ્ય ઈરાન અને અન્ય દેશો સાથે
મળીને આ જહાજોને સુરક્ષિત રીતે પરત લાવવાનું છે. માનવીય સહાય અંગે પણ સરકારે ઈરાન સાથે
અનેક મુદ્દાઓની ચર્ચા કરી છે.
જયસ્વાલે
જણાવ્યું કે હાલમાં બ્રિક્સની અધ્યક્ષતા ભારત પાસે છે અને બ્રિક્સ પરસ્પર સહમતિના આધાર
પર કાર્ય કરે છે. અખાતમાં ચાલતા સંઘર્ષમાં બ્રિક્સના ઘણા સભ્ય દેશો સામેલ હોવાથી તમામ
દેશોના અલગ-અલગ વલણને એકસાથે લાવવા મુશ્કેલ છે. તેમ છતાં, સરકાર તમામ પક્ષો સાથે સતત
સંપર્કમાં છે અને ચર્ચા પણ કરે છે.વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ (ખાડી વિસ્તાર) અસીમ
મહાજને જણાવ્યું હતું કે ઓમાનના સોહાર શહેરમાં બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા બે ભારતીયોના
મૃતદેહ આજે જયપુરમાં તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. તેમણે પરિવારજનો પ્રત્યે ઊંડી
સંવેદના વ્યક્ત કરી હતી. દૂતાવાસ હોસ્પિટલ અને કંપની સાથે સંપર્કમાં છે અને ઘાયલોની
સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. કોઈ પણ ભારતીયની હાલત ગંભીર નથી. સેઈફ સી જહાજ સાથે
જોડાયેલી ઘટના ઈરાકના બસરા કિનારે બની હતી. અધિકારીઓ સ્થળ પર હાજર છે અને 15 ભારતીય
કર્મચારીઓની સુરક્ષિત વાપસી માટે મદદ કરી રહ્યા છે. તેમને સલામત રીતે બહાર કાઢવામાં
આવ્યા છે અને હાલમાં તેઓ બસરાની એક હોટેલમાં રોકાયેલા છે. તેમણે કહ્યું કે ઈરાકી અધિકારીઓ
સાથે મળીને એક અન્ય ભારતીયના મૃતદેહને પણ પરત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમનું
આ ઘટનામાં મોત થયું હતું. અગાઉની ઘટનાઓમાં કુલ પાંચ ભારતીયોના મોત થયા છે અને એક હજુ
ગુમ છે. ઓમાનમાંથી બે મૃતદેહ આજે ભારતમાં આવી ગયા છે. ઓમાન, ઈરાક અને યુએઈમાં આવેલા
ભારતીય દૂતાવાસ ગુમ થયેલા ભારતીયની શોધ અને બાકી ત્રણ મૃતદેહોને વહેલી તકે ભારત લાવવા
માટે સંબંધિત અધિકારીઓ સાથે સંપર્કમાં છે.