જેલવાસ ભોગવી ચુકેલા પાંચેય આરોપીઓ હવે મુક્ત થશે; પીડિત પરિવારે ચુકાદાને પડકારવાની તૈયારી દર્શાવી
ઉના,
તા.17: સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ભારે વિવાદ જગાડનારા વર્ષ 2016ના બહુચર્ચિત ઉના
દલિત અત્યાચાર કાંડમા મંગળવારે દસ વર્ષે વેરાવળ સેશન્સ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો
આપ્યો છે. અદાલતે આ કેસના મુખ્ય 5 આરોપીઓને દોષિત ઠેરવી 5 વર્ષની સખત કેદની સજા ફટકારી
છે, જ્યારે પુરાવાના અભાવે 4 પોલીસકર્મીઓ સહિત અન્ય 37 આરોપીને નિર્દોષ જાહેર કરી મુક્ત
કરવાનો આદેશ આપ્યો છે.
વેરાવળ
સેશન્સ કોર્ટના ન્યાયાધીશ પંડયાએ કેસની સુનાવણી પૂર્ણ કરતા ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે
મુખ્ય પાંચ આરોપીઓ - રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત
ગૌસ્વામીને એટ્રોસિટી એક્ટ હેઠળ 5 વર્ષની કેદ તેમજ આઈપીસીની વિવિધ કલમો હેઠળ 2થી 3
વર્ષની સજા ફટકારી છે. આ ઉપરાંત પ્રત્યેક દોષિતને 5,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો
છે. ઉલ્લેખનીય છે કે, લાંબી કાયદાકીય પ્રક્રિયા દરમિયાન કુલ 42 આરોપીઓ પૈકી 2 આરોપીઓના
અવસાન થયા હતા. ફરજમાં બેદરકારી દાખવવા બદલ જે પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો હતો,
તેમને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં એક મહત્ત્વનો વળાંક એ આવ્યો છે કે,
દોષિત જાહેર થયેલા પાંચેય શખસ છેલ્લા 6 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા છે. કાયદાકીય
જોગવાઈ મુજબ તમામ સજાઓ સાથે ભોગવવાની હોવાથી, તેમની સજાની અવધિ પૂર્ણ થયેલી ગણવામાં
આવશે. આથી, સજાની જાહેરાત બાદ પણ આ આરોપીઓ હવે જેલમાંથી મુક્ત થશે.