કોંગ્રેસ કાર્યકરોની નારેબાજીથી ભાજપા ભડકી : વીડિયો શેર કરી કહ્યું કે કોંગ્રેસની વિચારસરણી માઓવાદી જેવી, અસ્થિરતા ઉભી કરવા પ્રયાસનો આરોપ
નવી
દિલ્હી તા.14 : દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત કોંગ્રેસની રેલીમાં વડાપ્રધાન મોદી
અંગે વિવાદીત નારા લગાવવામાં આવતાં ભાજપા ભડકી ઉઠી છે. ભાજપે તેનો એક વીડિયો શેર કર્યો
છે. પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો અને મહિલા મોરચાના કાર્યકરો
અને અધિકારીઓએ નારા લગાવ્યા હતા કે મોદી, તમારી કબર ખોદવામાં આવશે. આજે એ સ્પષ્ટ થઈ
ગયું છે કે કોંગ્રેસની વિચારસરણી માઓવાદી જેવી છે.
મત
ચોરીના આરોપ અંગે કોંગ્રેસ રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલીનું આયોજન
કર્યુ હતુ. એક વીડિયો ટાંકીને ભાજપે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના કાર્યકરોએ વડાપ્રધાન
મોદી અંગે
વિવાદાસ્પદ
નારા લગાવ્યા હતા. એક વીડિયો સામે આવ્યો છે જેમાં કેટલીક મહિલાઓ પીએમ મોદી વિશે વાંધાજનક
ટિપ્પણીઓ કરતી જોવા મળી રહી છે. ભંડારીએ વધુમાં કહ્યું કે ભૂતકાળમાં જ્યારે આવા નારા
લગાવવામાં આવતા હતા ત્યારે દેશના લોકોએ કહ્યું હતું, મોદી તમારું કમળ ખીલશે. પરંતુ
આજે રાષ્ટ્રવિરોધીઓ પીએમ મોદી વિરુદ્ધ આવી ટિપ્પણીઓ કરી રહ્યા છે અને કોંગ્રેસની ટિપ્પણીઓ
સ્પષ્ટ કરે છે કે કોંગ્રેસ ભયાવહ છે. પીએમ મોદી રાષ્ટ્રવિરોધીઓ અને ભારત વચ્ચે ખડક
બનીને ઉભા છે. કોંગ્રેસ દેશના લોકો વિરુદ્ધ છે. તેનો વાસ્તવિક ઉદ્દેશ્ય દેશમાં અસ્થિરતા
ઊભી કરવાનો છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા
કહ્યું કે એજન્ડા સ્પષ્ટ છે. આ એસઆઈઆર વિરુદ્ધ નથી, પરંતુ બંધારણ પર હુમલો છે. કોંગ્રેસના
નેતાઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, મોદીની કબર ખોદવામાં આવશે, જો આજે નહીં તો કાલે.
સત્ય-અસત્ય
વચ્ચે લડાઈમાં ચૂંટણી પંચ ભાજપ સાથે : રાહુલ ગાંધી
કોંગ્રેસની વોટ ચોરી મેગા રેલી દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, આ સત્ય અને અસત્ય વચ્ચેની લડાઈ છે અને ચૂંટણી પંચ આ લડાઈમાં ભાજપ સાથે મળીને કામ કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતાં કહ્યું કે મેં મત ચોરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા. થોડા દિવસો પછી સંસદમાં સ્પષ્ટતા આપતી વખતે તેમના હાથ ધ્રુજતા હતા.