નવી દિલ્હી, તા.14: ભારતના 14 વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી માટે 202પનું વર્ષ શાનદાર રહ્યું છે. જો કે આજે તે અન્ડર-19 એશિયા કપમાં પાકિસ્તાન વિરૂધ્ધ મોટી ઇનિંગ રમી શકયો ન હતો અને ફકત પ રને આઉટ થયો હતો. વૈભવે આ વર્ષે અલગ અલગ ટૂર્નામેન્ટમાં 6 આતશી સદી ફટકારી છે. જેમાં આઇપીએલમાં 3પ દડામાં કરેલી રેકોર્ડબ્રેક સેન્ચૂરી સામેલ છે. 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીનું બેટ સતત રનનો ધોધ વહાવી રહ્યું છે. આથી તેને ટીમ ઇન્ડિયાની ટી-20 ટીમમાં તક આપવાની સતત માંગ ચાહકો તરફથી થતી રહે છે. જો કે બીસીસીઆઇ વૈભવને ટીમ ઇન્ડિયામાં સામેલ કરી શકે તેમ નથી. આઇસીસીના એક નિયમના લીધે તેના હાથ બંધાયેલા છે. આઇસીસીના નવા નિયમ અનુસાર કોઇ પણ ખેલાડીને 1પ વર્ષ પૂરા થયા પછી જ ઇન્ટરનેશનલ મેચમાં મોકો આપી શકાય છે. આ નિયમ વર્ષ 2020માં બનાવવામાં આવ્યો છે. વૈભવ સૂર્યવંશી 27 માર્ચ 2026ના રોજ 1પ વર્ષનો થશે. આથી તે હજુ 103 દિવસ સુધી ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરી શકશે નહીં. વૈભવ અન્ડર-19 એશિયા કપના પહેલા મેચમાં યૂએઇ સામે 14 છક્કાથી 171 રનની ઈનિંગ રમી ચૂક્યો છે.