દાયકા પછી રૂ.100થી વધુ મૂલ્યની નોટો પર પ્રતિબંધ ઉઠાવવા તૈયારી
કાઠમંડુ, તા.14 : નેપાળમાં ટૂંક
સમયમાં ભારતની 200 અને 500 રૂપિયાનાં મૂલ્યની ચલણી નોટો સ્વીકારવામાં આવશે. નેપાળમાં
લાંબા સમયથી માગ કરવામાં આવી રહી છે કે ઉચ્ચ મૂલ્યની ભારતીય ચલણી નોટો પરનો પ્રતિબંધ
હટાવવામાં આવે કારણ કે તે પર્યટન ઉદ્યોગ ખાસ કરીને આતિથ્ય ક્ષેત્રને નુકસાન પહોંચાડી
રહી હતી.
નેપાળ લગભગ એક દાયકા પછી 100
રૂપિયાથી વધુની ભારતીય ચલણી નોટો ફરીથી રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. ભારતના પાડોશી
દેશમાં લગભગ 10 વર્ષથી ઉચ્ચ મૂલ્યની ભારતીય ચલણી નોટો પર પ્રતિબંધ છે. કાઠમંડુ પોસ્ટે
નેપાળી અધિકારીઓને ટાંકીને કહ્યું કે આ પગલાંથી ભારત જતાં નેપાળી સ્થળાંતર કરનારા કામદારો
તેમજ બન્ને દેશોના વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ, તબીબી મુલાકાતીઓ અને પ્રવાસીઓ માટે ચલણ
સંબંધિત સમસ્યાઓમાં ઘટાડો થશે.
નેપાળ રાષ્ટ્ર બેન્કના પ્રવક્તા
ગુરુ પ્રસાદ પૌડેલે જણાવ્યું હતું કે અમે નેપાળ ગેઝેટમાં એક સૂચના પ્રકાશિત કરવાની
તૈયારી કરી રહ્યા છીએ. પછી અમે નવા નિયમ અંગે બેન્કો અને નાણાકીય સંસ્થાઓને એક પરિપત્ર
જારી કરીશું. નવા નિયમ માટેની સત્તાવાર તારીખ હજુ સુધી નક્કી નથી પરંતુ પ્રક્રિયા અંતિમ
તબક્કામાં છે.