પિતરાઈ ભાઈ સાથે ઘરે પરત ફરતી વખતે દુર્ઘટના, પરિવારે એકમાત્ર પુત્ર ગુમાવ્યો
અમદાવાદ,તા.14
: રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટના દિવસેને
દિવસે વધી રહી છે. હવે અમદાવાદમાં પણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અહીં નારણપુરા
વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં 20 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. માહિતી પ્રમાણે,
20 વર્ષીય યુવક તેના પિતરાઇ ભાઈ સાથે એક્ટિવા પર શાહીબાગ કેમ્પ હનુમાનના દર્શન માટે
ગયો હતો. દર્શન કરીને તે થલતેજ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે નારણપુરા વિસ્તારમાં
એક સીએજી ગેસકીટ સાથેની ગાડીએ ટક્કર મારી દીધી.
આ અકસ્માતમાં
એક્ટિવા ચાલક વેદાંત મોદીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે તેના પિતરાઇ ભાઈ
વ્રજને સામાન્ય ઇજા થઈ છે. આ અકસ્માતમાં મોદી પરિવારે તેનો એકનો એક દીકરો ગુમાવ્યો
છે. આ અકસ્માતની જાણ થતાં વેદાંતના પિતા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પ્રાપ્ત
માહિતી અનુસાર, થલતેજમાં નિકિતા પાર્ક સોસાયટીમાં રહેતો વેદાંત તેના પિતરાઈ ભાઈ સાથે
એક્ટિવા લઈને ગઈ રાતે કેમ્પ હનુમાન દર્શન કરવા ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે રાતે
10 વાગ્યાની આસપાસ નારણપુરા લાડળીના શોરૂમ પાસે એક્ટિવાને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા
ગેસકીટ ગાડી ટક્કર મારી દીધી.
આ ટક્કર
લાગતાં જ એક્ટિવા પટકાયું અને વેદાંતને માથાના ભાગે ઇજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત
નીપજ્યું, જ્યારે વ્રજને હાથના ભાગે ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.
આ મામલે ટ્રાફિક પોલીસના બી ડિવિઝને અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અકસ્માત
બાદ વાહનચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો.