• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

સૈન્ય કાર્યવાહી સ્થગિત થઈ છે, પૂર્ણ નહીં : મોદી

ઓપરેશન સિંદૂર કરોડો ભારતીયોની ભાવનાનું પ્રતિબિંબ, રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાનની ગર્જના : આતંકના મૂળીયા વાઢી નાખશું

પાકિસ્તાનના શત્રો તણખલાની જેમ તૂટી ગયા, ભારતીય સેનાએ સામર્થ્ય બતાવ્યું : આતંકવાદની વિરૂદ્ધ 0 ટોલરન્સની નીતિ રહેશે

નવી દિલ્હી, તા.12: પહેલગામ પરના આતંકી પ્રહાર સામે ઓપરેશન ‘િસંદૂર’ની પ્રચંડ કાર્યવાહી થયા બાદ રાષ્ટ્રને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, પાકિસ્તાન સામે આ શત્ર સંઘર્ષ, યુદ્ધની કાર્યવાહી માત્ર સ્થગિત કરવામાં આવી છે. પૂર્ણ થઈ નથી. આગામી દિવસોમાં પાકિસ્તાનના વલણની કસોટી અને ચકાસણી કર્યા બાદ નક્કી કરશું કે આ કાર્યવાહી પૂર્ણ કરવી કે નહીં? દેશની સેનાની ત્રણેય પાંખને સમગ્ર કાર્યવાહી માટે બિરદાવતા વડાપ્રધાને કહ્યું કે, પાકિસ્તાનના આતંકી માળખાને તોડવામાં આપણે અપૂર્વ સફળતા મેળવી છે. હજી પણ આતંકવાદ સામે ભારતની આ જ નીતિ રહેશે. આ કાર્યવાહી અમે ભારતની સેનાને સમર્પિત કરીએ છીએ.

રાત્રે 8 વાગ્યે એક જીવંત પ્રસારણના માધ્યમથી વડાપ્રધાને દેશને સંબોધન કરતાં જણાવ્યું કે, ઓપરેશન ‘િસંદૂર’ એ ફક્ત નામ નથી પરંતુ ભારતના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે. ભારતની સેનાએ પાકિસ્તાનના આતંકી ઠેકાણા, તાલીમ કેન્દ્રો પર છઠ્ઠી મે એ રાત્રે સટીક પ્રહારો કર્યા. ભારત આવડી મોટી કાર્યવાહી કરશે તેવું પાકિસ્તાને સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું પરંતુ જ્યારે આખો દેશ એક થાય, રાષ્ટ્ર સર્વોપરીની ભાવના જન્મે ત્યારે આવા લોખંડી નિર્ણયો લઈ શકાતા હોય છે.

આતંકવાદીઓને માટીમાં મેળવી દેવાની છૂટ અમે આપી હતી. આજે પ્રત્યેક આતંકવાદી એવું જાણી ચુક્યો છે કે, અમારી બહેન-દીકરીઓના માથેથી ‘િસંદૂર’ ભૂસવાનો અંજામ શું હોઈ શકે? ઓપરેશન ‘િસંદૂર’ ન્યાયની અખંડ પ્રક્રિયા છે. 22મી એપ્રિલે આતંકવાદીઓએ કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોને તેમના પરિવાર, બાળકોની નજર સામે તેમનો ધર્મ પૂછીને મોતને ઘાટ ઉતારી દીધા. દેશની સદભાવના તોડવાની કોશિશ કરી. આ આતંકનો બિભત્સ ચહેરો હતો. મારા માટે વ્યક્તિગત ધોરણે  પણ આ મોટી પીડા હતી. પ્રત્યેક નાગરિક, પ્રત્યેક રાજકીય પક્ષ આતંકવાદ વિરૂદ્ધ લડવા એક થયો. પાકિસ્તાનની મિસાઈલો, હુમલા કરતા ડ્રોનને ભારતની સેનાએ તોડી પાડયા. બહાવલપુર અને મુરીદ જેવા આતંકી ઠેકાણા વૈશ્વિક આતંકવાદના મુખ્ય કેન્દ્રો હતા. જેને નેસ્તનાબૂદ કરાયા.

9/11નો અમેરિકાનો હુમલો હોય કે લંડન ટયુબ બોમ્બ કે પછી ભારતમાં અઢી-ત્રણ દાયકાથી થતા આતંકી હુમલા હોય તે બધા આતંકના તાર આ ઠેકાણાઓ સાથે જોડાયેલા છે. અમારી બહેનોના ‘િસંદૂર’ ઉજાડનાર આતંકવાદીઓના મુખ્ય મથકો અમે ઉજાડી દીધા. 100 ખૂંખાર આતંકવાદીઓ માર્યા ગયા. વડાપ્રધાને કહ્યું કે, આતંકના અનેક આકાઓ બે-અઢી દાયકાથી પાકિસ્તાનમાં મુક્ત રીતે ફરતા. ભારત વિરૂદ્ધ ષડયંત્રો રચતા. તેને ભારતે ખંડિત કર્યા છે. આ કાર્યવાહીથી ધૂંધવાયેલા પાકિસ્તાને ગંભીર ભૂલ એ કરી કે આતંકવાદીઓને સાથ આપીને ભારત પર જ હુમલો કર્યો. ભારતની સ્કૂલ, કોલેજો, ગુરૂદ્વારા, મંદિરો, ઘરોને નિશાન બનાવ્યા. પાકિસ્તાનને જેના પર ઘમંડ હતું તેવા એરબેઈઝ ત્રણ જ દિવસમાં તબાહ કરી નાખ્યા. પાકિસ્તાનની તૈયારી સીમા ઉપર લડવાની હતી. ભારતે તેના સીના ઉપર પ્રહાર કર્યો.

ડરી ગયેલું પાકિસ્તાન બચવાના રસ્તા શોધવા લાગ્યું. 10મી મે એ સાંજે તેણે ભારતના ડીજીએમઓનો સંપર્ક કરી પ્રહાર અટકાવવા માગણી કરી ત્યાં સુધીમાં તેના આતંકી માળખાને, આતંકના અડ્ડાઓને આપણે ખંડેરમાં ફેરવી ચૂક્યા હતા પરંતુ હું પુનરોચ્ચાર કરૂં છું કે, સૈન્યની આ કાર્યવાહી સ્થગિત થઈ છે, પૂર્ણ થઈ નથી. પાકિસ્તાન શું વલણ અપનાવે છે તેના પર અમે આગળના પગલા નક્કી કરશું. ભારતની વાયુસેના, થલસેના અને નૌસેના, અર્ધસૈનિક દળ, બીએસએફને હું ધન્યવાદ આપું છું. સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક પછી હવે ઓપરેશન ‘િસંદૂર’ ભારતની આતંક વિરોધી નીતિનું મોટું પગલું છે.

હવે ભારત સ્ટેટ સ્પોન્સર ટેરેરીઝમ એટલે કે રાજ્ય દ્વારા પ્રેરિત આતંકવાદને સહન નહીં કરે અને પોતાના નાગરિકોને બચાવવા માટે નિર્ણાયક પગલા લેતું જ રહેશે. આ યુદ્ધમાં ભારતમાં જ બનેલા હથિયારોની પ્રામાણિકતા પણ સિદ્ધ થઈ છે. આ યુગ યુદ્ધનો નથી તો આ યુગ આતંકનો પણ નથી. આતંકવાદ વિરૂદ્ધ હવે ઝીરો ટોલરન્સની જ નીતિ રહેશે. આજે બુદ્ધ પૂર્ણિમા છે તેવી વાત સાથે સમાપન કરતા વડાપ્રધાને કહ્યું કે, બુદ્ધે આપણને શાંતિનો માર્ગ બતાવ્યો છે પરંતુ તે માર્ગ શક્તિ દ્વારા આગળ વધે છે. માનવતા, શાંતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધે. વિકસિત ભારતનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે તે માટે શક્તિશાળી થવું જરૂરી છે અને તે શક્તિનો ઉપયોગ પણ ભારત કરશે.

વડાપ્રધાનના વક્તવ્યમાં મહત્ત્વના મુદ્દા

ઓપરેશન ‘િસંદૂર’ કરોડો દેશવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ.

રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી આ નિર્ણય શક્ય બન્યો.

પાકિસ્તાન સીમા પર લડવા માંગતું હતું આપણે તેના સીના પર વાર કર્યો.

દીકરીઓના ‘િસંદૂર’ ઉજાડનારના ઠેકાણા ઉજાડી દીધા.

આ યુગ યુદ્ધનો નથી તો આતંકનો પણ નથી.

આતંકવાદને પાકિસ્તાન ખાતર, પાણી આપે છે તે જોતા એક દિવસ તે પોતે જ નષ્ટ થશે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક