• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

‘2 કરોડ કા બંદોબસ્ત કરો...’ ગુજરાતી દંપતી અને 3 વર્ષની પુત્રી લીબિયામાં બંધક

મહેસાણાના બાદલપુરા ગામનો પરિવાર પોર્ટુગલ જવાના ચક્કરમાં ફસાયો, એજન્ટોએ લીબિયામાં બંધક બનાવી રૂ. 2 કરોડની ખંડણી માગી

રાજકોટ, અમદાવાદ તા.12: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આકરા ઈમિગ્રેશન નિયમોના કારણે હવે વિદેશ જવાની ગેલછા રાખનારા ગુજરાતીઓએ યુરોપ સહિત અન્ય વિદેશો ભણી નજર દોડાવી છે. જો કે લેભાગુ એજન્ટોના કારણે ઘણાં ગુજરાતીઓ મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે. થોડા સમય પહેલા માણસાના બાપુપુરા ગામના દંપતી સહિત ચાર લોકો ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. જેમનું ઈરાનમાં અપહરણ કરવામાં આવ્યું હતું. આવી જ રીતે મહેસાણા જિલ્લાના બાદલપુરા ગામનો પરિવાર લેભાગુ એજન્ટોના કારણે મુસીબતમાં મૂકાયો છે. યુરોપમાં સ્થાયી થવાના સપના સાથે નીકળેલા મહેસાણા જિલ્લાના બાદલપુરા ગામના એક પરિવારને એજન્ટોએ છેતરીને લીબિયા મોકલી દીધો છે, જ્યાં તેમને બંધક બનાવીને તેમની મુક્તિ માટે 2 કરોડ જેટલી તાતિંગ ખંડણીની માગ કરવામાં આવી રહી છે. રિવારજનોને અપહરણ કરનારાઓ દ્વારા વોટ્સએપ પર મેસેજ કરાયો છે કે, 2 કરોડ કા બંદોબસ્ત કરો, આપકી ફેમિલી હમારે પાસ હે. આ ઘટનાની જાણ થતા જ બંધકના પરિવારજનોએ સમગ્ર મામલે મહેસાણા કલેક્ટર જોડે મદદ માગી હતી.

મળતી માહિતી પ્રમાણે મહેસાણાના બાદલપુરા ગામના રહેવાસી કિસ્મતાસિંહ ચાવડા, તેમનાં પત્ની હીનાબેન, અને તેમની 3 વર્ષની બાળકીને દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યા હતા. જોકે, કથિત રીતે એજન્ટોએ તેમને છેતરીને પોર્ટુગલને બદલે લીબિયા મોકલી દીધા હતા. લીબિયામાં આ પરિવારને એકાંત સ્થળે બંદી બનાવવામાં આવ્યો છે. અપહરણકર્તાઓ દ્વારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. અપહરણકર્તાઓ દ્વારા શરૂઆતમાં 45 લાખની માંગણી કરવામાં આવી હતી. જોકે, આ કાવતરામાં સંડોવાયેલા દુબઈના એજન્ટો દ્વારા આ પરિવારને મુક્ત કરવા માટે હવે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી રહી હોવાના અહેવાલ છે. આ રકમ સાથે મળીને લગભગ 2 કરોડ સુધી પહોંચી શકે છે.

આ સમગ્ર મામલે પરિવારજનોએ હર્ષિત મહેતા નામના એજન્ટની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ માતા-પિતા અને દીકરીને છોડાવવા મામલે મહેસાણા જિલ્લા કલેક્ટરને લેખિતમાં અરજી આપી રજૂઆત કરી છે. ચાવડા પરિવારે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારને પણ વિનંતી કરતાં જણાવ્યું છે કે, લિબિયામાં ફસાયેલા ત્રણેય જણને પરત ભારત લાવવામાં આવે.

ઇ-પેપરના નવા શુલ્ક