• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

વેરાવળમાં ગૃહકલેશના કારણે પતિના હાથે પત્નીની હત્યા

પરિણીતાએ પતિ વિરુદ્ધ ભરણપોષણનો કેસ કર્યા બાદ પિયરમાં રીસામણે આવી હતી : આરોપી પતિની શોધખોળ

વેરાવળ, તા.1ર: વેરાવળ તાલુકાના ડારી ગામે દાંપત્ય જીવનમાં ઉભા થયેલા મતભેદનો એક કરુણ અંજામની ઘટના સામે આવી છે. જેમાં પાંચ મહિનાથી રિસામણે રહેલી 4ર વર્ષીય પત્નીની તેના  પતિએ છરીના સાત ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેતા ચકચાર પ્રસરી છે. હત્યાની ઘટનાને અંજામ આપી આરોપી પતિ નાસી છૂટતા પોલીસે પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતોનુસાર વિનોદ ધોળિયા અને ચંપાબેન ધોળિયા વચ્ચે ઘણા સમયથી પારિવારિક કલેશ ચાલી રહ્યો હતો. વિનોદના ત્રાસથી કંટાળીને ચંપાબેને તેની સામે ભરણપોષણનો કેસ પણ નોંધાવ્યો હતો. છેલ્લા પાંચ મહિનાથી ચંપાબેન પોતાના પિયર ડારી ગામે રિસામણે આવી ગયા હતા. દરમિયાન અચાનક પતિ વિનોદ ધોળિયા પત્નીના પિયર ડારી ખાતે પહોંચીને પત્ની ચંપાબેન ઉપર છરી વડે સાત જેટલા ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ચંપાબેનને તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. જેના પગલે પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો. હત્યાની ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી વી.આર.ખેંગાર, પ્રભાસ પાટણ પી.આઈ. પટેલ અને સર્વેલન્સ સ્કવોડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હત્યારો પતિ વિનોદ ઘટના સ્થળે પોતાની બાઈક અને છરી છોડીને નાસી છૂટયો હોવાથી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક