• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

માધવપુરમાં આજથી પાંચ દી’ના ભાતીગળ મેળાનો રંગેચંગે પ્રારંભ

શ્રીકૃષ્ણ-રુકિમણીજીનો લગ્નોત્સવ યોજાશે : દરરોજ સાંજે નોર્થ ઈસ્ટ અને ગુજરાતના 1684 કલાકારો સંસ્કૃતિ રજૂ કરશે : મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન

પોરબંદર તા.5 : શ્રી કૃષ્ણ અને રુકિમણીના લગ્નોત્સવ પ્રસંગે આવતીકાલે તા.6થી પાંચ દિવસ સુધી યોજનારો માધવપુરનો મેળો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ખુલ્લો મૂકાશે. અલગ-અલગ દિવસો દરમિયાન દરરોજ સાંજે નોર્થ-ઇસ્ટ રાજ્યોના 810 કલાકારો તેમજ ગુજરાતના 874 કલાકારો એમ કુલ 1684 કલાકારો દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ પર આધારિત 40 મિનિટનો સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. 

ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકાર ઓસમાણ મીરના લોકડાયરાનો કાર્યક્રમ આવતીકાલે તા.6ના તા.7ના રોજ પ્રસિધ્ધ કલાકાર જીગ્નેશ કવિરાજના લોકડાયરાનો કાર્યક્રમ, તા.8 ના રોજ દિવ્યેશ જેઠવા,  સાગર કાચા તથા રાજુભાઈ બારોટ દ્વારા ભવ્ય લોકડાયરાનો કાર્યક્રમ તથા.યોજવામાં આવ્યો છે અને ચોથા દિવસે તા.9ના પીયુષ જોગદીયા તથા સચિન સાલ્વીનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવશે.

માધવરાયજી મંદિરના કુલગોર અને ટ્રસ્ટી જનકભાઈ પુરોહિત ભગવાન શ્રી કૃષ્ણ અને રુકિમણીજીના લગ્નોઉત્સવની માહિતી આપતાં જણાવે છે કે, માધવપુરમાં દર વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના લગ્નની યાદમાં ચૈત્ર સુદ નોમ(રામનવમી)થી ચૈત્ર સુદ બારસ સુધી મેળો યોજાય છે. પરંતુ તે મેળા પહેલા ફાગણ વદ પૂર્ણિમા(હોળી)ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન લખવાની પરંપરા રહેલી છે. હોળીના દિવસે ભગવાન માધવરાયજીના મંદિરે રુકિમણી મંદિરના મહંત, માધવરાયજી મંદિરના પૂજારી, માધવરાયજીના લગ્નવિધિ કરાવનાર પુરોહિત તેમજ ભક્તજનોની હાજરીમાં ભગવાનના લગ્ન લખાય છે. રામનવમીની રાત્રે માધવરાયજી અને ત્રિકમરાયજીની ગોદમાં બિરાજેલા નાના ઠાકોરજી શ્રી ગોપાલાલાની રવાડી(ફુલેકુ) નીકળે છે. કિર્તનિયા કીર્તન ગાતા હોય છે ઉપરાંત ભગવાનની રવાડી નીકળે ત્યારે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાય છે.

આ રવાડી માધવરાયજી મંદિરથી નીકળે પછી ઠપ્પે-ઠપ્પે કિર્તન થાય છે, બહેનો ભગવાન ના લગ્નગીત ગાય છે, યુવાનો રથ આગળ દાંડિયા-રાસ રમે છે અને બ્રહ્મકુંડ પહોંચે છે. માધવપુરના પૂર્વના દરવાજા બહાર ઉત્તર બાજુએ બ્રહ્મકુંડના પૂર્વ કાંઠા ઉપર માધવરાયજીને બિરાજમાન કરીને ભોગ ધરીને આરતી કરવામાં આવે છે. ત્યારબાદ ફરી ભગવાનને કિર્તન કરતા-કરતા રાત્રે 11 વાગ્યા પછી નિજમંદિર લાવવામાં આવે છે. આવી જ રીતે નોમ, દસમ અને અગિયારસ આમ 3 દિવસ પ્રભુજીની નિજમંદિરથી બ્રહ્મકુંડ સુધી રવાડી(ફૂલેકું) નીકળે છે.

ઉલ્લેખનીય છે કે, માધવપુર ઘેડના મેળામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્નપ્રસંગ સાથે અનેક પરંપરાઓ જોડાયેલી અને આ પરંપરાઓ અને વિધિઓ સાથે ઇતિહાસ જોડાયેલો જે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે. આજે પણ ભગવાન શ્રીકૃષ્ણની પાલખી ઉપાડવા માટે પુરોહિત(બ્રાહ્મણ), ગળચર(રબારી), દાસા(મહેર) અને કરગઠિયા (કોળી) જ્ઞાતિના લોકો પોતાની વર્ષો જૂની પરંપરા નિભાવી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક