• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

બાંગ્લાદેશને ભારતની ચેતવણી : તમારે કેવા સંબંધ રાખવા છે તે જાતે નક્કી કરો

છાસવારે ભારત ઉપર દોષારોપણ કરનારી બાંગ્લાદેશની વચગાળાની સરકારને વિદેશમંત્રી જયશંકરની સ્પષ્ટ ચેતવણી

નવી દિલ્હી, તા.24: શેખ હસીનાની સરકાર પદભ્રષ્ટ થયા બાદથી બાંગ્લાદેશ સતત ભારત વિરોધી વલણ અપનાવી રહ્યું છે અને પાકિસ્તાન સાથે તેની સૈન્ય નજદીકી પણ વધી ગઈ છે. એકબાજુ તે ભારત સાથે સારા સંબંધો જાળવવાની વાતો કરે છે અને બીજીબાજુ તેનાં દેશમાં બનતી કોઈપણ ઘટના માટે ભારતને જવાબદાર ઠરાવી દેવાનું પણ ચૂકતું નથી. જેનો જવાબ હવે ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે આપ્યો છે. તેમણે બાંગ્લાદેશને સાફ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે, ભારત સાથે તેને કેવા સંબંધ રાખવા છે તે હવે જાતે નક્કી કરે.

શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડયું અને મોહમ્મદ યૂનુસે સત્તા સંભાળી ત્યારથી ભારત અને બાંગ્લાદેશનાં સંબંધો વણસી ગયા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થતો અત્યાચાર પણ ભારતને આંખમાં કણાંની જેમ ખૂંચી રહ્યો છે. તો સામે છેડે બાંગ્લાદેશ ભારત સાથેનાં સંબંધો બગાડવાની કોઈ તક છોડી રહ્યું નથી.

હાલમાં જ જયશંકરે ઓમાનમાં બાંગ્લાદેશનાં વિદેશી બાબતોનાં સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસેન સાથે મુલાકાત કરી હતી. જો કે ત્યારબાદ પણ બાંગ્લાદેશમાં કોઈ સુધારો દેખાયો નથી. આ મુલાકાતનાં એક અઠવાડિયામાં જ જયશંકરે બાંગ્લાદેશનાં શત્રુતાપૂર્ણ વ્યવહારનો મુદ્દો ઉઠાવ્યો છે.

વિદેશ મંત્રીએ હવે સ્પષ્ટ શબ્દોમાં બાંગ્લાદેશની સરકારને કહી દીધું છે કે, હવે બાંગ્લાદેશે નક્કી કરવાનું છે કે, તે ભારત સાથે કેવા સંબંધો ઈચ્છે છે? બાંગ્લાદેશ સાથે 1971થી બેહદ ખાસ ઈતિહાસ જોડાયેલો છે. એકબાજુ તે ભારત સાથે સારા સંબંધો રાખવાની વાત કરે છે અને બીજીબાજુ ભારત ઉપર દોષારોપણ પણ ચાલુ રાખે છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર રોજ ઉઠીને કોઈપણ બાબતે ભારતને દોષી ઠેરવી ન શકે. એટલે હવે નિર્ણય બાંગ્લાદેશને કરવાનો છે. દ્વિપક્ષી સંબંધોમાં અત્યારે બે પ્રકારની મુશ્કેલીઓ આવી રહી છે. એક તો ત્યાં લઘુમતી હિન્દુઓ વિરોધી સાંપ્રદાયિક હિંસા છે અને બીજી ત્યાંની બદલેલી રાજનીતિ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક