• રવિવાર, 05 એપ્રિલ, 2026

ભાજપે ગઢ સાચવ્યો : 48 બેઠક સાથે જૂનાગઢ મનપામાં ભગવો લહેરાયો

કોંગ્રેસને 11 બેઠક સાથે વિપક્ષની જવાબદારી : દસ વોર્ડમાં ભાજપની પેનલ, બે વોર્ડમાં કોંગ્રેસની પેનલ અને ત્રણ વોર્ડમાં ખંડિત પરિણામ આવ્યા

(ફૂલછાબ ન્યુઝ)

જૂનાગઢ, તા.18: જૂનાગઢ મહાપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં પ્રજાના રોષને કારણે કંગાળ મતદાન થતા પરિણામ અંગે અનેક અટકળો વચ્ચે પરિણામ જાહેર થતા જનતાએ મનામાં ભાજપને સુકાન સોંપાતો ચુકાદો આપ્યો છે. 60માંથી ભાજપને 48 બેઠક, કોંગ્રેસને 11 તથા એક બેઠક અપક્ષના ફાળે ગઇ છે. દસ વોર્ડમાં ભાજપની પેનલ, બે વોર્ડમાં કોંગ્રેસની પેનલ વિજેતા થઇ છે જ્યારે ત્રણ વોર્ડમાં ખંડિત પરિણામ આવ્યા છે.

મહાપાલિકાના 15 વોર્ડની 60 બેઠકની ચૂંટણીમાં ભાજપે વોર્ડ નં. 3 અને 14માં હરિફ ઉમેદવારો હટી જતા આઠ બેઠકો બિનહરીફ કરી ખાતું ખોલાવ્યું  હતું જ્યારે બાવન બેઠકની ચૂંટણી યોજાઇ હતી. તેમાં ભાજપના 51, કોંગ્રેસના 49 તથા અન્ય પક્ષો તથા અપક્ષો મળી 165 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. ચૂંટણી પ્રચારમાં રાજકીય પક્ષો,     અપક્ષો દ્વારા જહેમત ઉઠાવી હતી. પણ નિરસ માહોલ વચ્ચે માત્ર 44.32 ટકા મતદાન થયું હતું. નબળા મતદાનથી ઉમેદવારો અને રાજકીય પક્ષોના આગેવાનો દ્વિધામાં મુકાયા હતા છતાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા જીતના દાવા કરાયા હતા.

પરિણામોની ઉત્તેજના વચ્ચે સવારે કૃષિ ઇજનેરી કોલેજમાં કડક બંદોબસ્ત વચ્ચે મત ગણતરી હાથ ધરાઇ હતી. પ્રારંભથી ભાજપ તરફ વલણ બહાર આવ્યું હતું. વોર્ડમાં-1માં ભાજપના જીજ્ઞસાબેન રાજેશ ગુજરાતી (4742 મત), નિલેશ વજસીભાઇ પીઠિયા (5116 મત), રેખાબેન વિનુભાઇ સોલંકી (3934 મત) અને સુભાષ વિનુ રાદડિયા (4021) મત મેળવી વિજેતા થયા હતા. જ્યારે પૂર્વ મેયરના પત્ની પ્રજ્ઞાબેન વિરડા સહિત કોંગ્રેસની પેનલનો પરાજય થયો હતો.

વોર્ડ નં.2માં ભાજપની પેનલના અંકિત ડાયા માવદિયા (6230), જાગૃતિ હિતેન વાળા (5622), લીરીબેન કિરીટ ભીંભા (5892), શાહબાઝ અયુબ બ્લોચ (5026) મત મેળવી  વિજેતા થયા હતા જ્યારે વોર્ડ નં.4માં ભાજપના ત્રણ ઉમેદવારો ચેતન હરસુખ ગજેરા (2241), ધર્મેશ પોશિયા (2861) અને પ્રફુલ્લાબેન હરસુખ ખેરાળા (2367) તેમજ કોંગ્રેસના મંજુલાબેન પણસારા (3099) મત મેળવી વિજેતા થયા હતા. આ વોર્ડમાં ભાજપની પેનલ ખંડિત થઇ હતી.

વોર્ડ નં.5 માં ભાજપના રાણીબેન લીલા પરમાર (4937), વિનીસ નીતિન હદવાણી (5436), સોનલબેન રાજેશ પનારા (5162) અને સંજય મનસુખ ધોરાજીયા (4653) મતો મેળવી વિજેતા થયા હતા. વોર્ડ નં. 6માં ભાજપના કુસુમબેન પ્રવિણ અકબરી (3183), પ્રવિણ તેજા વાઘેલા (3430) તેમજ કોંગ્રેસના લલીત વિઠ્ઠલભાઇ પણસાણા (3775) અને જશવંતીબેન દિનેશ કેશવાલા (3139) મત મેળવી વિજેતા થયા હતા. આ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પેનલો જીતાડવામાં નિષ્ફળ રહ્યા હતા.

વોર્ડ નં.7માં ભાજપની પેનલ વિજેતા થઇ છે તેમાં જયેશ રાઠોડ બોઘરા (4400), ભાવનાબેન ચેતન વ્યાસ (4261), વંદના મનોજ દોશી (4086) અને સંજય જમનાદાસ મણવર (4041) મત મેળવી વિજેતા થયા છે. જ્યારે વોડ નં. 8માં કોંગ્રેસની પેનલ વિજેતા થઇ છે. તેમાં અદેમાન અલારખા પંજા (7105), શાહિલ સિદીક કોતલ (6269), શહેનાઝબેન કાદરી (6388) અને સેનીલાબેન અશરફ થઇમ (5894) મતોથી જીત્યા હતા.

વોર્ડ નં. 9માં ભાજપના ત્રણ ઉમેદવારો વિજેતા થયા છે. તેમાં આકાશ કરમણ કટારા (3455), ગીતાબેન મોહન પરમાર (2625), ચેતનાબેન નરેશ ચુડાસા (2503) મત મેળવી વિજેતા થયા છે. જ્યારે કોંગ્રેસ, બસપા અને આમ આદમીનો સફાયો કરી અપક્ષ ઉમેદવાર અશ્વિનભાઇ ભારાઇ (4431) મત મેળવી વિજેતા થયા હતા. આ વોર્ડમાં ભાજપની પેનલ ખંડિત થઇ છે.

વોર્ડ નં.10માં ભાજપની પેનલ વિજેતા થઇ છે તેમાં ચંદ્રીકાબેન જીવનભાઇ રાખશિયા (3046), પરાગ જયેન્દ્ર રાઠોડ (2696) પલ્લવી શ્રેયસભાઇ ઠાકર (2739) અને મનન ધીરજલાલ અભાણી (2720) મત મેળવી વિજેતા થયા છે. વોર્ડ નં.11માં ભાજપની પેનલ વિજેતા થઇ તેમાં દિવ્યાબેન મનોજ પોપટ (4617), પુનમબેન જીજ્ઞેશ પરમાર (3991), વનરાજ વિપુલ સોલંકી (3999) અને શૈલેષ રમણીક દવે (4004) મત મેળવી વિજેતા થયા છે. આ વોર્ડમાં જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ ભીખાભાઇ જોષીની હાર થઇ છે.

વોર્ડ નં.12 માં ભાજપની પેનલ વિજેતા થઇ છે તેમાં ઇલાબેન ભરત બાલસ (2980), પુંજાભાઇ મૂળુભાઇ સિસોદિયા (2892), મધુબેન અરજણ મિયાત્રા (2654), હિરેન પરસોત્તમ ભલાણી (2915) મતો મેળવી વિજેતા થયા છે. વોર્ડ નં. 13માં ભાજપની પેનલ વિજેતા થઇ છે. તેમાં ધરમણ રામભાઇ ડાંગર (4321), ભાવનાબેન પ્રદીપભાઇ ટાંક (3842), વનિતાબેન વાલાભાઇ અભછેડા (3493) અને વિમલ હરકાંત જોષી (3640) મતો મેળવી ચૂંટાઇ આવ્યા છે.

જ્યારે વોર્ડ નં. 15માં કોંગ્રેસની પેનલ વિજેતા થઇ છે. તેમાં કેશુભાઇ રામભાઇ ઓડેદરા (3666), ગીતાબેન રાજેશ સોલંકી (3222), રાવણ લાખાભાઇ પરમાર (3660) અને સોનલ કારાભાઇ રાડા (3378) મતો મેળવી વિજેતા થયા હતા. આ વોર્ડ કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધો છે.

પરિણામો જાહેર થતા વિજેતા ઉમેદવારોને ગણતરી કેન્દ્ર બહાર તેમના ટેકેદારોએ ફૂલહારથી વધાવી ઉંચકી અભિનંદન પાઠવ્યા હતા ત્યાર બાદ વિજેતાઓએ પોતપોતાના વોર્ડમાં વિજય સરઘસ કાઢયું હતું. આ વિજય સરઘસ મોટા ભાગના ઉમેદવારોએ વાહનમાં કાઢેલા જયારે વોર્ડ નં. 9માં અપક્ષ તરીકે ચૂંટાયેલા અશ્વિન ભારાઇએ પગપાળા પોતાના મત વિસ્તારમાં ફરી અભિવાદન ઝીલ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક