સુરત,તા. 3: સુરતના મોમનાવાડ ગોપીપુરા વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે રૂ.6.44 લાખના 14.730 ગ્રામ એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે એક શખસને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રાલિંગમાં હતી એ દરમિયાન બાતમી મળી હતી કે, ગોપીપુરા મોમનાવાડ જલારામ એપાર્ટમેન્ટના બીજા માળે ફલેટ નં. 201માં રહેતો મોહમંદ જુબેર ગુલામરસુલ શાહ નામનો શખસ એમ.ડી. ડ્રગ્સનો જથ્થો વેચાણ કરવા લાવેલો છે અને હાલમાં તે ઘરમાં હાજર છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી આરોપી મોહમંદ જુબેર ગુલામ રસુલ શાહને રૂ.6,44,190ના 214.730 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યુ કે, તે છેલ્લા બે વર્ષથી એમ.ડી.ડ્રગ્સ વેચાણ કરતો હતો. ઉપરાંત આ ડ્રગ્સનો જથ્થો શાહપોર વિસ્તારનાં એઝાઝ ઉર્ફે બાટલા નામના ઈસમ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.