બસપા 4 બેઠક સાથે કિંગ મેકરની ભૂમિકામાં, આપ અને અપક્ષના ફાળે એક-એખ બેઠક
(ફૂલછાબ
ન્યુઝ)
માંગરોળ,
તા.18: માંગરોળ નગરપાલિકાની ચૂંટણીની આજે ઉત્તેજનાસભર વાતાવરણ વચ્ચે યોજાયેલી મત ગણતરીમાં
ભાજપને 15 (11 + 4 બિનહરીફ ), કોંગ્રેસને 15, બસપાને 4 જ્યારે આપ અને અપક્ષના ફાળે
એક-એક બેઠક આવી છે. બસપા કિંગમેકરની ભૂમિકામાં છે ત્યારે શહેર ભાજપ પ્રમુખે બસપાના
સમર્થનથી ભાજપ સત્તા કબજે કરશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો શહેર કોંગ્રેસ
પ્રમુખે કોંગ્રેસને સત્તા માટે હજુ 50% ચાન્સ હોવાનું જણાવી, સમીકરણો જીવંત હોવાનો
આશાવાદ દર્શાવ્યો છે. છેલ્લા બે વર્ષથી માંગરોળ
ન.પા.માં વહિવટદારના શાસન પહેલા ભાજપ અને કોંગ્રેસની જુગલબંદી, ભર ઉનાળે આઠથી દસ દિવસે
પાણી વિતરણ, રસ્તાના અતિશય નબળા કામો તેમજ ડમ્પિંગ સાઈટના અભાવે અવારનવાર ઉદભવતી ગંદકીની
સમસ્યા અંગે લોકોમાં ભારે નારાજગી હતી. પરંતુ આ લોકરોષની ચૂંટણીના પરિણામો પર કોઈ અસર
જોવા મળી નથી. ચૂંટણીમાં અમુક વોર્ડમાં ધીંગું તો અમુકમાં ઓછા મતદાનથી ઉમેદવારો અસમંજસ
જેવી સ્થિતિમાં હતા. આજે કંપાણી કોલેજ ખાતે થયેલી મત ગણતરીમાં વોર્ડ નં.1માં બસપાએ
ધમાકેદાર શરૂઆત કરી ખાતું ખોલાવ્યું હતું અને પેનલનો વિજય થતાં બસપાએ 4 બેઠકો અંકે
કરી હતી ત્યારબાદ પ્રમાણમાં ઓછું વાટિંગ થયું હોય તેવા વોર્ડ નં.2માં ભાજપનો પેનલ વિજયી
થઇ હતી. વોર્ડ નં.3માં ભાજપના 3 ઉમેદવાર વિજેતા થયા હતા. જ્યારે એક બેઠક આપને ફાળે
ગઈ હતી. વોર્ડ નં.5 અગાઉ ભાજપ તરફે બિન હરીફ થયા બાદ વોર્ડ નં.7માં પણ ભગવો લહેરાતા
4 ઉમેદવારે જીત નોંધાવી હતી. આમ ભાજપે કુલ 15 બેઠક અંકે કરી હતી. સામે પક્ષે આપ સાથે ગઠબંધનથી ચૂંટણી લડતી કોંગ્રેસ
વોર્ડ નં. 4, 6 અને 8માં પેનલ વિજેતા થઈ હતી. આ ઉપરાંત વોર્ડ નં.9માં વધુ ત્રણ ઉમેદવાર
જીતતા કોંગ્રેસ તરફે 15 બેઠક થઈ હતી. વોર્ડ નં.9ની એક સીટ પર અપક્ષે મેદાન માર્યું
હતું. માંગરોળ ન.પા.ની ચૂંટણીમાં અપક્ષોનો દબદબો હોય છે. પરંતુ આ વખતે ભાજપ અને કોંગ્રેસમાં
મોટેભાગે પેનલ વિજયી થતાં ફક્ત એક અપક્ષ ઉમેદવારને સફળતા મળી છે. ભાજપને ગત ટર્મ કરતા
એક બેઠક વધુ મળી છે અને ન.પા.માં સતા માટે 19ની બહુમતી માટે ઉજળા સંજોગો છે ત્યારે
ભાજપને સત્તાથી દૂર રાખવા કોંગ્રેસ કોઈ નવા સમીકરણો રચે છે કે કેમ ? તે જોવાનું રહેશે.