• રવિવાર, 05 એપ્રિલ, 2026

CEC પદે જ્ઞાનેશ કુમારની નિયુક્તિ : રાહુલે મોદીને સોંપ્યો અસહમતી પત્ર

અડધી રાતે થયેલી નિમણૂક સુપ્રીમનાં આદેશ અને બંધારણની ભાવનાની ખિલાફ : કોંગ્રેસ

નવી દિલ્હી, તા.18: મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) પદે જ્ઞાનેશ કુમારની સોમવારે મોડી રાતે નિયુક્તિ થયા બાદ આજે લોકસભામાં વિપક્ષી નેતા અને સીઈસીની પસંદગી સમિતિનાં સદસ્ય રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ નિમણૂક સામે અસહમતી પત્ર સોંપ્યું છે. આ અસહમતી પત્ર જાહેર કરતાં રાહુલ ગાંધીએ સરકાર ઉપર ચૂંટણી પંચને સ્વતંત્રતાને કમજોર કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

રાહુલે આજે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ આ વિશે પોસ્ટ કરતાં લખ્યું હતું કે, ચૂંટણી કમિશનરની પસંદગી માટેની સમિતિમાં મેં વડાપ્રધાન અને ગૃહમંત્રીને અસહમતી પત્ર સોપ્યું. તેમાં મેં સ્પષ્ટ કહ્યું છે કે, સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી પંચ માટે સૌથી મહત્ત્વનું પરિમાણ ચૂંટણી કમિશનર અને મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિની પ્રક્રિયા કાર્યપાલિકાનાં પ્રભાવથી મુક્ત રહેવું જોઈએ.

રાહુલે પોતાનાં પત્રમાં એ પણ કહેલું છે કે, સરકારે સુપ્રીમ કોર્ટનાં આદેશની અવગણના કરીને મુખ્ય ન્યાયધીશ (સીજેઆઈ)ને પસંદગી સમિતિમાંથી હટાવી દીધા હતાં. સીજેઆઈને હટાવીને મોદી સરકારે સુપ્રીમ કોર્ટનાં આદેશનું ઉલ્લંઘન કર્યુ છે. આનાં હિસાબે કરોડો મતદારોની ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અંગેની ચિંતાઓ વધુ ઘેરી બની ગઈ છે.

રાહુલે આરોપનો મારો ચલાવતા કહ્યું હતું કે, પસંદગી સમિતિની સંરચના  અને પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવેલા છે અને તેની સુનાવણી પણ 48 કલાકથી ઓછા સમયમાં થવાનો  હોય ત્યારે સીઈસીની પસંદગીનો નિર્ણય અડધી રાતે કરવો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ગરિમાને પ્રતિકૂળ છે.

ઉલ્લેખનીય છે કે, સોમવારે સીઈસીની પસંદગી માટે મળેલી બેઠકમાં મોદી અને કાનૂન મંત્રી અર્જુનરામ મેઘવાલ ઉપરાંત રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતાં અને નિવૃત્ત થયેલા સીઈસી રાજીવ કુમારનાં સ્થાને જ્ઞાનેશ કુમારની પસંદગી કરવામાં આવી હતી. વરિષ્ઠ નોકરશાહ આઈએએસ જ્ઞાનેશ કુમાર ગત વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે સેવા બજાવતા હતાં. પસંદગી સમિતિમાં સીજેઆઈનાં સ્થાને કેબિનેટ મંત્રીને સામેલ કરતાં નવા કાયદા હેઠળ જ્ઞાનેશ કુમાર નિયુક્ત થયેલા પ્રથમ સીઈસી છે.

61 વર્ષીય જ્ઞાનેશ કુમાર આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં કાર્યરત હતાં અને તેમણે બજાવેલી પ્રમુખ જવાબદારીઓમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા સંબંધિત વિધેયકને તૈયાર કરવામાં સહાયતા સહિતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે અયોધ્યામાં રામમંદિર સંબંધિત દસ્તાવેજો પણ સંભાળેલા છે.

સીઈસીની નિમણૂક સામે કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યો હતો. મુખ્ય વિપક્ષી દળ તરફથી આરોપ મૂકવામાં આવ્યો છે કે, સુપ્રીમ કોર્ટનાં આદે અને બંધારણની ભાવનાની ખિલાફ જઈને આ કામ થયું છે. કોંગ્રેસ સંગઠનનાં મહાસચિવ કે.સી.વેણુગોપાલે કહ્યું હતું કે, અડધી રાતે જાહેરનામુ જારી કરીને મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિ કરી નાખવામાં આવી છે. જે આપણાં બંધારણની ભાવનાની ખિલાફ છે. ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા માટે સીઈસી તટસ્થ હિતધારક હોવા જોઈએ તેવું સુપ્રીમ કોર્ટે પણ અનેકવાર દોહરાવેલું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક