- માતા-પિતા વિશે અભદ્ર ટિપ્પણી કરનાર રણવીરને આકરી ભાષામાં ઝાટકીને
દાખલો
બેસાડતી સર્વોચ્ચ અદાલત : ધરપકડ સામે રોક સહિતની રાહત આપી
-
રણવીરે યુ-ટયૂબમાં પોતાનાં
દિમાગની ગંદકી ઓકી : લોકપ્રિય હોય તો કંઈપણ બોલશો?: સુપ્રીમ
નવી
દિલ્હી, તા.18: માતા-પિતા વિશે અભદ્ર અને અશ્લીલ ટુચકો કરનાર યુ-ટયૂબર રણવીર અલ્હાબાદિયાને
ધરપકડ સામે રોક લગાવીને સુપ્રીમ કોર્ટે મોટી રાહત તો આપી છે પણ આ સાથે સુપ્રીમ કોર્ટે
આવી હીણપત સામે રણવીરનો આકરી ભાષામાં ઉધડો લઈને અન્યો માટે દાખલો પણ બેસાડયો છે. કોર્ટે
કહ્યું હતું કે, રણવીરનાં દિમાગમાં રહેલી ગંદકી તેણે યુ-ટયૂબનાં શોમાં ઓકી છે. તેની
ટિપ્પણી સમાજ માટે શર્મનાક છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા સામાજિક મૂલ્યોની ખિલાફ કંઈપણ
એલફેલ બોલવાનો અધિકાર નથી આપતી.
આ સાથે
જ સુપ્રીમ કોર્ટે કેટલાક નિર્દેશો પણ આપ્યા છે જેમાં રણવીરને પાસપોર્ટ પોલીસ સ્ટેશનમાં
જમા કરાવવા અને મંજૂરી વિના ભારત બહાર નહીં જવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ સીવાય તેને
પોલીસ સહિતની તપાસ એજન્સીઓની કાર્યવાહીમાં સહકાર આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.
જ્યાં સુધી આ કેસ ખતમ ન થાય ત્યાં સુધી રણવીર અલ્હાબાદિયા કે સમય રૈનાનાં શો પ્રસારિત
કરવા સામે પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. રણવીરને આપવામાં આવેલી કેટલીક રાહતમાં મુંબઈ
અને ગુવાહાટીમાં નોંધાયેલી એફઆઈઆરમાં કોઈપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી સામે તેને
સંરક્ષણ આપવામાં આવ્યું છે. આ સીવાય તેની સામે કોઈ નવી એફઆઈઆર નહીં નોંધવા માટે પણ
આદેશ આપવામાં આવ્યો છે. જો કોઈ નવી એફઆઈઆર થાય તો પણ તેમાં તેની ધરપકડ કરાશે નહીં તેવું
સુપ્રીમ કોર્ટે કહ્યું છે.
રણવીરે
પોતાની સામેની તમામ એફઆઈઆર સંકલિત કરવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.
જેમાં તેને કેટલીક રાહતો તો આપવામાં આવી છે પણ સુપ્રીમ કોર્ટે તેનો જે ઉધડો લીધો છે
તે સોશિયલ મીડિયામાં અશ્લીલતા ફેલાવતા રણવીર સહિતનાં યુ-ટયૂબરો માટે ધડારૂપ છે.
સુપ્રીમ
કોર્ટે રણવીરને ઝાટકતા કહ્યું હતું કે, અલ્હાબાદિયાનાં દિમાગમાં કંઈ ગંદકી ભરેલી હતી.
જે તેણે યુ-ટયૂબ ઉપર ઓકી નાખી. તેના દ્વારા વપરાયેલા શબ્દો બહેન-બેટી, માતા-પિતા અને
સમાજ માટે શરમજનક છે. સમાજનાં મૂલ્ય શું છે? તેનાં માપદંડ શું છે? શું આ વિશે તે જાણે
પણ છે? અભિવ્યક્તિની સ્વતંત્રતાનાં નામે સમાજનાં આવા માપદંડોની ખિલાફ કંઈપણ બોલવાની
છૂટ નથી. સમાજનાં સ્વવિકસિત મૂલ્યોનું સન્માન કરવું આવશ્યક છે. જો કોઈ વ્યક્તિ માને
છે કે તે આટલી લોકપ્રિય છે તો શું તે ગમે તે બોલી શકે? શું તે આખા સમાજને આટલા હલકામાં
લઈ શકશે? આ ધરતી ઉપર કોઈ એવું છે જે આ ભાષાને પસંદ કરશે?
અલ્હાબાદિયા
તરફથી આ વિવાદનાં અનુસંધાને તેને મળી રહેલી ધમકીઓનો હવાલો આપવામાં આવ્યો ત્યારે ન્યાયમૂર્તિ
સૂર્યકાંત અને એન.કોટિશ્વર સિંહની પીઠે કહ્યું હતું કે, જો તમે આવી હલકી ભાષા વાપરીને
સસ્તો પ્રચાર મેળવી શકતા હોય તો અન્ય કોઈ ધમકી દઈને પણ પ્રચાર પ્રાપ્ત કરી શકે છે.
રણવીરનાં બચાવમાં એડવોકેટ ડૉ.અભિનવ ચંદ્રચૂડે દલીલો કરી હતી અને સુનાવણી દરમિયાન તેમને
પોતાને પણ આવી ભાષાથી સૂગ ચડતી હોવાનું કહ્યું હતું.
------------
યુ-ટયૂબ
ઉપર અશ્લીલતા રોકવા સુપ્રીમે કેન્દ્રને કહ્યું, કંઈક કરવું પડશે
રણવીર
અલ્હાબાદિયાને રાહત આપવા સાથે સમાજનાં વ્યાપક હિતમાં કેટલીક આક્રમક અને ઉગ્ર ટિપ્પણીઓ
કરનાર સર્વોચ્ચ અદાલતે યુ-ટયૂબ સહિતનાં મંચ ઉપર અશ્લીલ સામગ્રીઓને પહોંચી વળવા માટે
કંઈક કરવાનો સમય પાકી ગયો હોવાનું પણ કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે આની સામે કડક પગલા
લેવા અને નિયમ બનાવવા માટે કેન્દ્ર સરકારને નોટિસ પણ જારી કરી છે. અદાલતે કહ્યું હતું
કે, ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર નિયમનની કમીનો દુરુપયોગ
થઈ રહ્યો છે. જો તેને નિયંત્રિત કરવા માટે સરકાર કંઈક પગલા ભરશે તો અદાલતને તેનાથી
ખુશી થશે.