- ઠેર ઠેર ભાજપની ભવ્ય જીત : કોંગ્રેસ નામશેષ, અપક્ષોનો દબદબો : જૂનાગઢ મનપા પર ભાજપનો કબજો, 66 નગરપાલિકાઓમાંથી 59માં ભાજપનું શાસન
-66માંથી
22 બેઠકોમાં તો કોંગ્રેસ ખાતુ- સુધ્ધાં ખોલાવી ન શકી, 6 નગરપાલિકાઓમાં કોંગ્રેસને માત્ર
એક-એક બેઠક મળી
-એક
માત્ર સલાયામાં કોંગ્રેસને બહુમતી, કુતિયાણા-રાણાવાવ સમાજવાદી પાર્ટીના હાથમાં
(ફૂલછાબ
ન્યૂઝ) અમદાવાદ, તા.18: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ આવી ચૂકયા છે
જેમાં અત્ર -તત્ર અને સર્વત્ર ભાજપનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસને મરણતોલ ફટકો લાગ્યો
છે અને અપક્ષોનો દેખાવ સારો રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપે જવલંત સફળતા પ્રાપ્ત કરી છે,
જૂનાગઢ મહાપાલિકા ઉપરાંત મોટા ભાગની નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની બેઠકોની
પેટા ચૂંટણીમાં પણ ‘કમળ’ ખીલ્યું છે. કુલ 68માંથી 59 નગરપાલિકાઓ ઉપર ભાજપે કબજો કરતા
ઠેર-ઠેર આ ભવ્ય જીતની ઉજવણી થઇ રહી છે.
ગત
16મી ફેબ્રુઆરીએ (1) જૂનાગઢ મહાનગરપાલિકા (મનપા)ના 15 વોર્ડની 60 બેઠકોની સામાન્ય (2)
66 નગરપાલિકા (નપા)ના 461 વોર્ડની 1844 બેઠકોની સામાન્ય, બોટાદ અને વાંકાનેર એમ 2 નગરપાલિકાના
18 વોર્ડની 72 બેઠકો માટેની મધ્ય સત્ર (3) 3 તાલુકા પંચાયતોના 78 વોર્ડની 78 બેઠકો
(4) 91 તાલુકા પંચાયતોની 91 બેઠકો (5) 21 નગરપાલિકાના 21 વોર્ડની 21 બેઠકો માટે અને
(6) 9 જિલ્લા પંચાયત 9 વોર્ડની 9 બેઠકો અને અમદાવાદ, સુરત, ભાવનગરની 3 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. આ
તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કુલ 696 વોર્ડની કુલ 2173 બેઠકો માટેની સામાન્ય,
મધ્ય સત્ર અને પેટા ચૂંટણીના પરિણામો માટેની મત-ગણતરી આજે 18મીના બુધવારના સવારથી હાથ
ધરાઇ હતી. જેમાં ભાજપનો ભવ્ય ભગવો લહેરાયો હતો. બીજા શબ્દોમાં કહી શકાય કે, સ્થાનિક
સ્વરાજ્યની આ પાયાની ચૂંટણીઓ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિતવ જ લગભગ નામશેષ થઇ ગયું
છે. બલ્કે મુખ્ય વિપક્ષ કોંગ્રેસની સરખામણીમાં આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને
અપક્ષોનો દેખાવ સારો રહ્યો હતો. જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત 66 નગરપાલિકાની સામાન્ય
ચૂંટણી અને બોટાદ- વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી મળીને કુલ 86 નગરપાલિકાઓમાંથી
62 નગરપાલિકાઓ ભાજપે વટભેર હાંસલ કરી લીધી
છે.
રાજ્યના
મુખ્ય વિપક્ષ કોંગ્રેસને માત્ર એક સલાયા નગરપાલિકામાં જ બહુમતી પ્રાપ્ત થઇ છે. અહીં
કોંગ્રેસે 15 અને અન્ય પક્ષોને 13 બેઠકો મળી છે. જ્યારે આ એક નગરપાલિકામાં ભાજપ ખાતું
ખોલાવી શકયું નથી. કુતિયાણા અને રાણાવાવમાં સમાજવાદી પાર્ટી, આણંદ જિલ્લાની આંકવાલ
નગરપાલિકામાં ભાજપે 10 તો, અપક્ષોને 14 બેઠકો હાંસલ થઇ છે એટલે કે આ નગરપાલિકા કોંગ્રેસ
સમર્થિત અપક્ષોએ હાંસલ કરી છે. એવી જ રીતે અમદાવાદની ઘાટલોડિયા ઉપરાંત સુરત અને ભાવનગર
મહાનગરપાલિકાની એક-એક મળીને કુલ -3 બેઠકો માટેની પેટા ચૂંટણીમાં પણ ભાજપને જીત મળી
હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણીઓમાં ભાજપના ભવ્ય વિજય બાદ ચારોકોર ભાજપના
વિજયી ઉમેદવારોની વિજય સરઘસ નીકળ્યા હતા. જ્યારે કોંગ્રેસની છાવણીમાં સ્વાભાવિક રીતે
ભારે સન્નાટો વ્યાપી ગયો હતો.
સામાન્ય
રીતે ગુજરાતમાં એમ કહેવાય છે કે, ભાજપ શહેરી વિસ્તારમાં અને કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારમાં
સારો પ્રભુત્વ ધરાવે છે પણ આ વખતે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજ્ય
સંસ્થાઓની આ ચૂંટણીમાં શરમજનક બાબત તો એ રહી છે કે, મહુધા, હાલોલ, ભચાઉ, કુતિયાણા,
કરજણ, રાણાવાવ, મહેમદાબાદ, આંકલાવ, ધરમપુર, કોડીનાર, ખેડા, ઓડ, ઝાલોદ, જામ જોધપુર,
બાંટવા, ચલાલા, જાફરાબાદ, ડાકોર, દ્વારકા અને રાજુલા જેવી રર જેટલી નગરપાલિકાઓમાં કોંગ્રેસ
ખાતુ સુદ્ધા ખોલાવી શકી નથી. એ તો ઠીક પણ માણસા, છોટા ઉદેપુર, તલોદ, ચકલાસી, વલસાડ
અને હળવદ જેવી નગરપાલિકાઓમાં કોંગ્રેસને માત્ર એક-એક જ બેઠકો મળી છે.