સાંતલપુર
પંથકનો સંઘ દ્વારકા દર્શનાથે જવા નીકળ્યો’તો : ચાલકની શોધખોળ
જામનગર,
તા.17 : સાંતલપુરના બકુત્રા ગામેથી દ્વારકા દર્શનાથે નીકળેલા પદયાત્રીઓના સંઘ પર બાલંભા
ગામના પાટિયા પાસે વહેલી સવારે પૂરઝડપે ધસી આવેલો ટ્રક ફરી વળતા ત્રણ મહિલાઓના ઘટના
સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા અને પાંચ મહિલાઓને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ
અકસ્માત બાદ ચાલક ટ્રક રેઢો મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી
હતી.
આ અંગેની
વિગત એવી છે કે, બકુત્રા ગામની છાનુબેન આહીર, રુડીબેન આહીર, સેજીબેન આહીર સહિતની આઠેક
મહિલાનો સંઘ પગપાળા દર્શનાથે જવા નીકળ્યો હતો અને વહેલી સવારે જોડિયા તાબેના બાલંભા
ગામના પાટિયા પાસેથી પસાર થતા હતા ત્યારે પૂરઝડપે ધસી આવેલો ટ્રક મહિલા સંઘ પર કાળ
બનીને ત્રાટક્યો હતો અને પદયાત્રી સંઘ પર ટ્રક ફરી વળતા ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે
જ છાનુબેન આહીર, રુડીબેન આહીર અને સેજીબેન આહીરના મૃત્યુ નિપજ્યા હતા.
જ્યારે
અન્ય પાંચ મહિલા રાણીબેન અરજણભાઈ આહીર, સુસ્મિતાબેન જીવણભાઈ આહીર, ગીતાબેન રાજાભાઈ
સહિતનાને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ બનાવના પગલે હાઈવે મરણ ચિચિયારીઓથી ગુંજી
ઉઠયો હતો. આ ઘટનાનાની જાણ થતાં ગ્રામજનો તેમજ પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસે ત્રણેય
મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આઠેય મહિલાઓના પરિવારજનોને જાણ કરતા જામનગર આવવા
રવાના થયા હતા.આ બનાવ અંગે તારાણા ગામના પૂર્વ સરપંચપુત્ર રણમલ વાંકે જણાવ્યું હતું
કે પદયાત્રીઓ નિકટના સબંધીઓ હોય રાત્રીના ઘેર રોકાણ કર્યુ હતું અને જમ્યા બાદ નીકળ્યા
હતા. પદયાત્રીઓમાં 1ર વ્યક્તિઓ હતા. જેમાં એક પુરુષ અને બે રસૌયા હતા. આ અકસ્માત બાદ
ચાલક ટ્રક રેઢો મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ચાલક સામે ગુનો નોંધી ઝડપી લેવા દોડધામ
શરૂ કરી હતી.
.........