• રવિવાર, 05 એપ્રિલ, 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આજે ચુકાદો મતદાનની ટકાવારી ઓછી હોવાથી વિવિધ રાજકીય

પક્ષોમાં તણાવ વધ્યો

અમદાવાદ, તા. 17: જૂનાગઢ મહાનગરપાલિકા, રાજયની અલગ અલગ 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે ગઇકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે જનાદેશ મળશે.

મતદાનની ટકાવારી ઓછી હોવાથી વિવિધ રાજકીય પક્ષોમાં તણાવ વધ્યો છે ત્યારે આવતીકાલે ચિત્ર તદ્દન સ્પષ્ટ થઇ જશે. જોકે નિષ્ણાતોના અનુસાર બપોર સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઇ જશે તેમ મનાય છે. 

ચૂંટણી પંચની યાદી અનુસાર જૂનાગઢ  મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં 44.32, મહાનગર પાલિકા પેટા (3 બેઠકો)માં 31.72, નગર પાલિકાની સામાન્ય (66 ન.પા.), મધ્યસત્ર (2 ન.પા.) અને પેટા (19 બેઠકો) પર અનુક્રમે 61.65, 35.23, 37.85 ટકા, જિલ્લા પંચાયતમાં પેટા (8 બેઠક) પર 43.67 ટકા, તેમજ તાલુકા પંચાયત (સમાન્ય) (3 તા.પંચ), પેટા (76 બેઠકો) પર 57.01 ટકા મતદાન થયુ હતું. આયોગની યાદી અનુસાર રાજ્યમાં એક પણ સ્થળે અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. એકપણ સ્થળે પુન: મતદાન કરવાની જરુરીયાત રહી નથી. આવતીકાલે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે.

 

જૂનાગઢ મહાપાલિકામાં સત્તાનું પુનરાવર્તન

કે પરિવર્તન ? આજ બપોર સુધીમાં નિર્ણય

 

 ભાજપને સત્તા માટે 23, કોંગ્રેસને  31 બેઠકની જરૂર :  ક્રોસ વોટિંગથી પેનલ નીકળવી મુશ્કેલ

આજે કૃષિ ઈજનેરી કોલેજના ચાર બ્લોકમાં કડક બંદોબસ્ત વચ્ચે મત ગણતરી હાથ ધરાશે

 

વિજય પીપરોતર

જૂનાગઢ, તા.17: જૂનાગઢ મહાપાલિકાના ઈતિહાસમાં સૌથી કંગાળ મતદાન વચ્ચે મનપામાં સત્તાનું પુનરાવર્તન કે પરિવર્તન અંગે અટકળોનું બજાર ગરમ બન્યું છે. આવતીકાલ તા.18ના બપોર સુધીમાં મનપા કોણ કબજે કરશે? તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ભાજપને સત્તા સ્થાને પહોંચવા 23 અને કોંગ્રેસને 31 બેઠકોની જરુર છે. રાજકીય તજજ્ઞોના મતે મનપામાં ભાજપ સત્તા કબજે કરશે પણ બેઠકો ઘટશે. જ્યારે કોંગ્રેસ પણ સત્તાના સ્વપ્ન જુએ છે.

જૂનાગઢ મહાપાલિકાના 13 વોર્ડની 52 બેઠકોની ગઈકાલે શાંતિમય ચૂંટણી યોજાઈ હતી. તેમાં નિરસ 44.32 ટકા મતદાન થયું હતું. જે મહાપાલિકાના ઈતિહાસમાં સૌથી ઓછું મતદાન છે. વર્ષ 2004માં 51 બેઠકોમાંથી ભાજપને 35, કોંગ્રેસને 15 અને એક અન્યને બેઠક મળતા ભાજપે સત્તા સંભાળી હતી. વર્ષ 2009માં 51 બેઠકોમાં કોંગ્રેસને 26, ભાજપને 21 અને અન્યને 4 બેઠકો મળતા કોંગ્રેસે સત્તા કબજે કરી હતી. ત્યારબાદ વર્ષ 2014માં 60 બેઠકોની ચૂંટણીમાં ભાજપને 41, કોંગ્રેસને 16 અને અન્યોને 3 બેઠક મળતા ભાજપ સત્તા ઉપર આવી હતી. વર્ષ 2019માં 60 બેઠકોની ચૂંટણીમાં ભાજપને તોતિંગ 54 બેઠકો હાંસલ કરી સત્તાનું પુનરાવર્તન થયું હતું.

મનપામાં ગત ટર્મમાં ભાજપને બે તૃત્યાંસ બહુમતી મળતા વિપક્ષની ઉપેક્ષા કરાય હતી. તેમાં ભૂગર્ભ ગટ્ટર, પાણીની લાઈન, ગેસલાઈન, સરોવર બ્યુટીફિકેશનના કામમાં તજજ્ઞ અધિકારીઓના અભાવે પ્રજાજનોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી. બિસમાર માર્ગો લોકો માટે માથાનો દુ:ખાવો બન્યા હતા.

આ સ્થિતિમાં મહાપાલિકાની ચૂંટણી યોજાતા લોકોની નારાજગીને ધ્યાને લઈ ભાજપએ મોટાભાગના નવા ચહેરા મેદાનમાં ઉતારવાની ફરજ પડી હતી, પણ આ પગલાથી લોકમાનસમાં ખાસ્સો ફરક પડયો ન હતો.

કોર્પોરેશનમાં એક ચક્રી શાસન ચલાવનારાઓ ચૂંટણીથી દુર રખાયા, અમુક બેઠકો ઉપર પરિવારવાદ અપનાવતા તે સામે ભાજપમાં આંતરિક નારાજગી ઉઠી હતી અને પક્ષના ઉમેદવારોને જીતાડવાને બદલે કેટલાંક નેતાઓએ ફોટો સેશન કર્યું હતું. જ્ઞાતિવાદ અંદરખાને ભડક્યો હતો. પરિણામે મતદાન માત્ર 44.32 ટકાએ અટક્યું હતું.

મનપાના 13 વોર્ડમાં યોજાયેલી ચૂંટણીમાં પેનલ ટુ પેનલ વિજેતાની સંભાવના ઘટશે. પસંદગીના ઉમેદવાર અને જ્ઞાતિવાદને કારણે કોસ વોટિંગ ક્યાંક સીંગલ વોટીંગને કારણે પરિણામ અણધાર્યા આવે તો નવાઈ નહીં. ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે મુખ્ય જંગ હતો પણ વોર્ડ નં.10 અને 15માં અપક્ષોએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને હંફાવ્યા હતા.

મહાપાલિકાના વોર્ડ નં.7માં 37.43 ટકા, વોર્ડ-11માં 36.9 ટકા, વોર્ડ નં-13માં 37.34 ટકા અને વોર્ડ નં-9માં 49.99 ટકા જેવું કંગાળ મતદાન નોંધાયું. આ વોર્ડમાં પરિણામો ચોંકાવનારા આવે તેવી સંભાવના છે. નબળા મતદાનથી ભાજપ છાવણીમાં ઉત્સાહ ઓસર્યો છે.

જ્યારે કોંગ્રેસ છાવણીમાં જુસ્સો વધ્યો છે. કારણ કે તેમને તો વકરો એટલો નફો છે. નબળા મતદાન અને પ્રજાની ભાજપ પરત્વેની નારાજગીનો લાભ મળનાર છે. રાજકીય પંડિતોના મતે કોંગ્રેસ બે ડિજિટમાં બેઠકો મેળવશે તેનાથી મનપામાં વિપક્ષ મજબૂત બનશે અને પ્રજાના પ્રશ્ને શાસકોને કાન ખુલ્લા રાખવા પડશે.

આવતીકાલ તા.18ના સવારે 9 કલાકે કૃષિ ઈજનેરી કોલેજના ચાર બ્લોકમાં કડક બંદોબસ્ત વચ્ચે મત ગણતરી હાથ ધરાશે અને બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ પરિણામે અંગે ઉતેજના વધી છે. ભાજપના નેતાઓ પણ સ્વીકારે છે કે ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં બેઠકો ઘટશે પણ સત્તા માટે ભાજપ અને કોંગ્રેસ બન્ને આશાવાદી છે.

મહાપાલિકાના ઈતિહાસમાં સૌથી ઓછું મતદાન

વર્ષ        મતદાન ટકાવારી

2004   52.48

 2009  56.28

2014   54.17

2019   49.68

 

 

ઇ-પેપરના નવા શુલ્ક