• રવિવાર, 05 એપ્રિલ, 2026

CECની નિયુક્તિ માટે મોદીએ યોજી બેઠક

રાહુલ પણ રહ્યા હાજર: કોંગ્રેસે કહ્યું, પસંદગી સમિતિની રચનામાં સુપ્રીમનાં આદેશનું ઉલ્લંઘન

નવી દિલ્હી, તા.17: મુખ્ય ચૂંટણી કમિશનર(સીઈસી) રાજીવ કુમાર આવતીકાલે 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યાં છે અને નવા સીઈસીની નિયુક્તિ માટે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. જો કે, કોંગ્રેસે પસંદગી સમિતિના પદાધિકારીઓ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરેલી છે અને પક્ષે આ મુદ્દે સુનાવણી પૂરી થાય ત્યાં સુધી બેઠક મુલતવી રાખવાની માંગ કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિ માટેની પસંદગી સમિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સામેલ છે. રાજીવ કુમાર નિવૃત્ત થયા બાદ જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર બનશે, જેમનો કાર્યકાળ 26 જાન્યુઆરી 2029ના રોજ સમાપ્ત થશે.

કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક અંગે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, સીઈસીની પસંદગી સમિતિ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્પષ્ટ અને સીધું ઉલ્લંઘન છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સીઈસી અને ઇસીની નિમણૂક પીએમ, એલઓપી અને સીજેઆઈની બનેલી સમિતિ દ્વારા થવી જોઈએ. કોંગ્રેસ નેતાએ કહ્યું કે સીઈસી પર સંતુલિત નિર્ણય હોવો જોઈએ અને તેની પસંદગી પ્રક્રિયામાં માત્ર કાર્યપાલિકા સામેલ ન હોવી જોઈએ.

કેન્દ્ર સરકારે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટી નાંખ્યા બાદ સમિતિના સભ્યો બદલ્યા હતા. કોર્ટે પોતાના ચુકાદામાં પસંદગી સમિતિ માટે પ્રધાનમંત્રી, વિપક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ કર્યો હતો. જોકે, કેન્દ્રએ મુખ્ય ન્યાયાધીશને હટાવીને અને પ્રધાનમંત્રી, કાયદા મંત્રી અને વિપક્ષના નેતાને સામેલ કરીને પસંદગી સમિતિમાં ફેરફાર કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક