26 ઓવર ફેંકવા છતાં ન મળી એક પણ વિકેટ
નવી
દિલ્હી, તા. 28 : ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ન્યુઝિલેન્ડ સામે બીજા ટેસ્ટની
પહેલી ઇનિંગમાં એકપણ વિકેટ લઈ શક્યો નહોતો. અન્ય બોલરોને ઓછામાં ઓછી એક વિકેટ મળી હતી.
આકાશ દીપે મેચમાં બીજી વખત પાંચ વિકેટ હોલ નામે કર્યો હતો. જ્યારે અંશુલ કંબોજ અને
ગુરનુર બરાડે 2-2 વિકેટ લીધી હતી. જે પીચ ઉપર સ્પિનરને કોઈ મદદ નથી ત્યાં વોશિંગ્ટન
સુંદરે પણ એક વિકેટ લીધી હતી. જો કે બુમરાહ ખાલી હાથ પરત ફર્યો હતો.
બુમરાહે
કુલ 26 ઓવર બોલિંગ કરી હતી અને 57 રન આપ્યા હતા. કસેલી બોલિંગની મદદથી ઘણી વખત વિકેટની
તક બનાવી હતી પણ કિસ્મતે સાથ આપ્યો નહોતો. આ સાથે જ બુમરાહની કારકિર્દી ઉપર બીજી વખત
ડાઘ લાગ્યો છે. જસપ્રીત બુમરાહની કારકિર્દીમાં બીજી વખત કોઈ વિકેટ લીધા વિના ઓવર ફેંકી
છે. આવી જ ઘટના પહેલા ન્યુઝિલેન્ડ સામે ડબલ્યૂટીસી 2021 ફાઇનલમાં બની હતી ત્યારે કીવી
ટીમ સામે બુમરાહે 26 ઓવરમા 79 રન આપ્યા હતા પણ વિકેટ મળી શકી નહોતી. હકીકતમાં વિકેટનો
દુષ્કાળ બુમરાહ માટે વેલિંગ્ટનથી શરૂ થયો છે. જેમાં અંતિમ દિવસે જ્યારે ભારતને જીત
માટે 8 વિકેટની જરૂર હતી ત્યારે બુમરાહને એક પણ વિકેટ મળી નહોતી.