• શનિવાર, 28 નવેમ્બર, 2026

પોરબંદરમાં બે કંપનીના રૂ.1.62 કરોડ ચાઉં કરનાર ચીફ એકાઉન્ટન્ટ ઝડપાયો

પી.એફ , જી.એસ.ટી.અને ટી.ડી.એસ.ના ખોટા રેકોર્ડ બનાવી બેન્કિગ પાસવર્ડનો કર્યો દુરુપયોગ, જામનગરના સી.એપાસે ઓડિટ કરાવતાં કૌભાંડનો પર્દાફાશ

પોરબંદર, તા.27: પોરબંદરની અમર પોલીફિલ્સ પ્રા.લિ. અને અમર એક્વાટિક પ્રા.લિ.માં ચીફ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ બે કંપનીના બેન્કિંગ એક્સેસ અને પાસવર્ડનો દુરુપયોગ કરી રૂ.1,62,28,279ની ઉચાપત કર્યાનો પર્દાફાશ થયો છે. કર્મચારીઓના પી.એફ સહિત જી.એસ.ટી., ટી.ડી.એસ.અને સરકારી લેણાં ભર્યાના ખોટા રેકોર્ડ ઊભા કરી કંપનીના કોમ્પ્યુટર રેકોર્ડ સાથે છેડછાડ કરવામાં આવી હતી. કર્મચારીઓના પી.એફ.ના નાણાં જમા ન થયાની જાણ થતાં કંપનીએ તપાસ કરાવી હતી. જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે વિગતવાર ઓડિટ કરાવતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.

આ મામલે કંપનીના ડાયરેક્ટર અનિલભાઈ રણછોડભાઈ મોતીવરસે કમલાબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં સામે આવ્યું કે વસુંધરા કોમ્પ્લેક્સમાં રહેતો સાવન અનિલકુમાર બથીયા વર્ષ 2017થી બંને કંપનીમાં ચીફ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. તેણે 1 એપ્રિલ 2025થી 19 સપ્ટેમ્બર 2026 દરમિયાન કંપનીના ખાતામાંથી પોતાના યુકો બેંક, એક્સિસ બેંક અને એચ.ડી.એફ.સી બેંકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા. ભાવનગરની શ્રી મારૂતિ બાઈન્ડીંગને ચૂકવવાના નાણાં પણ પોતાના ખાતામાં જમા કરાવી ખાતાનું નિકનેમ ‘શ્રી મારૂ’ રાખી કંપનીને ગેરમાર્ગે દોરી હતી. અન્ય મળતિયાઓના ખાતામાં પણ નાણાં ટ્રાન્સફર કરાયાની આશંકા છે. કમલાબાગ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને અન્ય કોના ખાતામાં નાણાં ગયા છે તે સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક