ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.102 કરોડથી વધુના ખર્ચે પ્રવાસન સુવિધા ખૂલ્લી મૂકાઈ
દ્વારકા,
ખંભાળિયા તા.28 ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મનોહર અને શાંત દરિયા કિનારે સ્થિત બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુર
ખાતે પ્રવાસન વિભાગ દ્વારા અંદાજિત 102 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલી પ્રવાસન-યાત્રી
સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું. પર્યટન, પ્રવાસન અને સલામતીને ધ્યાને રાખીને બ્લ્યૂ
ફલેગના વૈશ્વિક ધોરણો અન્વયે શિવરાજપુર બીચને પ્રવાસન વિભાગ દ્વારા વિકસાવવામાં આવી
રહ્યો છે.
મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે શિવરાજપુર બીચ ખાતે અંદાજે રૂ.ર3.43 કરોડના ખર્ચે જે પ્રવાસન-યાત્રી
સુવિધાઓનું લોકાર્પણ કર્યુ છે તેમાં ફેઇઝ-1 અંતર્ગત અરાઈવલ પ્લાઝા, સ્નોર્ક્લિગ પ્લાજા,
સાઇકલ ટ્રેક, પ્રોમોનેડ, લોકર રૂમ, પાથ-વે, સાઈનેજીસ, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, ટોઇલેટ બ્લોક,
ચાંજિંગ રૂમ, ઇલેક્ટ્રિક વર્ક, અન્ડર ગ્રાઉન્ડ ટેંક, સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ
અંદાજે રૂ.78.85 કરોડના ખર્ચે ફેઇઝ- 2 અંતર્ગત ઈવેન્ટ ગ્રાઉંડ, એમ્ફીથીયેટર,ફોર્ટ રિસ્ટોરેશન,
બોર્ડ વોક, લાઈફ ગાર્ડ ટાવર, જુદા-જુદા ડેક, બીચ લાઈટીંગ, શૌચાલય, ચેન્ઝીગ રૂમ, શાવર
રૂમ, કિયોસ્ક, રેસ્ટોરન્ટ, કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિગ, ઈરીગેશન વર્ક, હોર્ટિકલ્ચર વર્ક,
ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની પ્રવાસનલક્ષી સુવિધાઓના વિકાસનો સમાવેશ થાય છે.
પ્રવાસન
સચિવ અને અધિકારીઓ દ્વારા શિવરાજપુર બીચ ખાતે વિકસિત કરાયેલા પ્રવાસનલક્ષી સુવિધાઓ
વિશે મુખ્યમંત્રીશ્રીને વિસ્તૃત જાણકારી પૂરી પડવામાં આવી હતી. ગુજરાતમાં ટુરિઝમ દ્વારા
સર્વિસ સેક્ટરનું મહત્વ વધ્યું છે ત્યારે શિવરાજપુર બીચ દ્વારા રોજગારીની નવિન તકો
ઉત્પન્ન થશે, સ્થાનિક યુવાનોને અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રોજગાર પ્રાપ્ત થશે. એટલુ જ નહિ,
પ્રવાસન સેક્ટર દ્વારા સંપૂર્ણ ઈકોનોમી સાયકલને વેગ મળશે અને વડાપ્રધાનએ આપેલા સસ્ટેનેબલ
ડેવલપમેન્ટના મંત્ર સાથે પ્રવાસન દ્વારા રાજ્યની ઈકોનોમીને બુસ્ટ મળશે તેવો વિશ્વાસ
મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ
દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું
દ્વારકા
તા.28 ઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ દ્વારકાની મુલાકાત લઈ જગતમંદિર
ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શ્રીજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. મુખ્યમંત્રીએ
જગતમંદિરમાં શ્રીજીની પાદુકાનું પૂજન-અર્ચન કરી રાજ્યની સુખાકારી, શાંતિ, સમુદ્ધિ અને
નાગરિકોના કલ્યાણમાટે પ્રાર્થના કરી હતી. દ્વારકાધિશ મંદિર ટ્રસ્ટ, જિલ્લા કલેક્ટર
રાજેશ ખન્ના તથા પૂજારી પરિવાર દ્વારા જગતમંદિરે મુખ્યમંત્રીને દ્વારકાધિશનું ઉપવત્ર
ઓઢાડી, છબી અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય
પબુભા માણેક તથા મુળુભાઈ બેરા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. દ્વારકા હેલીપેડ ખાતે મુખ્યમંત્રીનું
સ્વાગત કરાયું હતું.