- એક્તાનગર ખાતે પરેડ બાદ વડાપ્રધાનનું ઉદ્બોધન ઃ વૈશ્વિક અશાંતિ, અરાજકતાની સામે રાષ્ટ્રીય એક્તા ભારતની સૌથી મોટી તાકાત
-4956 જવાન, 7734 કલાકારોની પ્રસ્તુતિ
સાથેની ભવ્ય પરેડ ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની
ઉપસ્થિતિ
-સરદાર સાહેબે માત્ર
ભૌગોલિક રીતે નહીં, ભાવનાત્મક રીતે દેશને
જોડÎો હતો
અમદાવાદ તા. 31 ઃ દેશમાં નકસલવાદ
તો હવે નાભિશ્વાસ ભરી રહ્યો છે. 2026ના અંત સુધીમાં તેનો
ખાતમો નિશ્ચિત છે પરંતુ વર્તમાન સ્થિતિમાં દિમાગી નકસલોથી, નકસલી જેવી માનસિકતા ધરાવતા તત્વોથી દેશવાસીઓએ
સાવધ રહે તેવો સંદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સ્મરણ ભૂમિ એક્તાનગરથી આપ્યો હતો.
તેમણે કહ્યું કે વૈશ્વિક અશાંતિ અને અસ્થિરતા
વચ્ચે ભારતની એક્તા સર્વોપરિ શક્તિ છે. રાષ્ટ્ર વિરોધી તાકાતો અને અરાજક તત્વોને જડબાતોડ
જવાબ આ એક્તા જ
આપી શકશે. વિશ્વની સૌથી ઊંચી એવી સરદાર સાહેબની પ્રતિમાના સાંનિધ્યમાં યોજાયેલી
એક્તાપરેડ અને ઉજવણીના અન્ય ઉપક્રમો દરમિયાન વક્તવ્ય આપતાં વડાપ્રધાને કહ્યું કે દેશના
વિકાસમાં અવરોધ ઊભા કરતા તત્વોથી દેશવાસીઓએ સાવધ રહેવું જોઈએ.
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન, લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ
પટેલની 151મી જન્મ જયંતીની શાનદાર
ઉજવણીમાં સહભાગી બનેલા વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, ‘ભારતની વિવિધતા એ બાધા નહીં, પરંતુ એકતાનો આધાર છે’- સરદાર સાહેબનો આ જીવનમંત્ર
આજે પણ દેશવાસીઓ માટે પ્રેરણાદાયી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં
આ ઉજવણી દ્વારા સરદાર સાહેબના રાષ્ટ્રીય એકતાના આદર્શો સાથે નક્સલમુક્ત ભારતના સંકલ્પને
સાકાર કરવાનો મજબૂત સંદેશ વડાપ્રધાને રાષ્ટ્રને આપ્યો હતો.
વડાપ્રધાનેકહ્યું કે, રાષ્ટ્રીય એકતાનો આ
મહાયજ્ઞ અને સશક્ત તથા સમર્થ ભારતની સંકલ્પ યાત્રા ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ અટકશે
નહીં. “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ની ભાવના
સાથે અવિરત આગળ વધતું રહેશે. દેશમાં સેક્યુલર સિવિલ કોડ અને અન્ય રાષ્ટ્રહિતના મોટા
નિર્ણયોની દિશામાં સરકાર આગળ વધી રહી છે.
દેશને એક અને અખંડિત રાખવા ‘એક ભારત,
શ્રેષ્ઠ ભારત’નો મૂળમંત્ર સરદાર સાહેબ માટે સર્વોપરિ હતો, તેથી તેમની જયંતી રાષ્ટ્રીય એકતાનું મહાપર્વ
બની ગઈ છે સરદાર સાહેબે દૃઢ સંકલ્પ,
કુનેહ અને દૂરદર્શિતાથી પાંચસોથી વધુ રજવાડાંઓને એક સૂત્રમાં પરોવ્યાં અને ’એક
ભારત, શ્રેષ્ઠ ભારત’નું સ્વપ્ન
સાકાર કર્યું. તેવું વડાપ્રધાને કહ્યું હતું. આ ઉજવણી સરદાર સાહેબના રાષ્ટ્ર માટેના
યોગદાનનું માત્ર સ્મરણ નથી, એ આપણા માટે ‘નવા ભારત, વિકસિત ભારત’ના નિર્માણના સંકલ્પનું પર્વ
છે.
વડાપ્રધાને ઉમેર્યું કે, રાષ્ટ્રીય એકતા દિવસ
એ જનભાગીદારીથી જનગૌરવનો ઉત્સવ બન્યો છે. સરદાર સાહેબે દેશને માત્ર ભૌગોલિક રીતે જ
નહીં, પરંતુ ભાવનાત્મક રીતે
પણ જોડÎો હતો. સરદાર સાહેબે
ગુજરાતમાં સોમનાથ મંદિરના પનઃનિર્માણ થકી રાષ્ટ્રીય સ્વાભિમાનના પુનરુત્થાનના શ્રીગણેશ
કર્યા હતા આ મહાન કાર્યને 75 વર્ષ પૂર્ણ થયાં છે, ત્યારે સરદાર સાહેબની 150મી જન્મજયંતીની ઉજવણી દરમિયાન લેવાયેલા સંકલ્પોને
દેશે ગણતરીના સમયમાં પૂર્ણ કરી બતાવ્યા છે એમ તેમણે ગર્વ સાથે જણાવ્યું હતું.
સરકારને છેલ્લા 12 વર્ષમાં નક્સલવાદ-માઓવાદી
આતંકના ઓછાયાથી મુક્ત કરવામાં સફળતા મળી રહી છે એમ જણાવતાં વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું
હતુ કે, વર્ષ 2015માં 136 જિલ્લાઓ વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત હતા, જ્યારે માર્ચ 2026 સુધીમાં દેશમાં એવો
કોઈ જિલ્લો રહ્યો નથી.
એકતા નગરની ધરતી ઉપરથી સરદાર પટેલના સાનિધ્યમાં વડાપ્રધાને મક્કમ નિર્ધાર વ્યક્ત
કરતાં જણાવ્યું કે, વર્ષ 2026ના અંત સુધી દેશ નક્સલવાદ-
માઓવાદના આતંકથી પૂરી રીતે મુક્ત કરીને જ જંપશે.
દેશવિરોધી વિભાજનકારી શક્તિઓથી સાવધાન કરતા વડાપ્રધાને જણાવ્યું કે, સરદાર પટેલ અને ડો. બાબાસાહેબ આંબેડકર જેવી
મહાન વિભૂતિઓએ બંધારણમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષની વ્યવસ્થા કરી હતી. પરંતુ, વર્તમાનમાં વિરોધ પક્ષ વિરોધને બદલે ’અવરોધ
પક્ષ’ બની ગયો છે અને દેશના વિકાસમાં અડચણો ઊભી કરી રહ્યો છે. તેમણે દેશવાસીઓને વિભાજનકારી
પ્રયાસોને ઓળખી એકજૂટ થઈને તેનો સામનો કરવા,
તેમજ સોશિયલ મીડિયાનો હથિયાર તરીકે દુરુપયોગ કરી ભ્રામક માહિતી ફેલાવનારાઓથી સાવધ
રહેવા આહ્વાન કર્યું હતું. દેશના નક્સલગ્રસ્ત વિસ્તારોમાં નક્સલવાદની કમર તૂટી ચૂકી
છે, પરંતુ ‘િદમાગી નક્સલો’થી
સાવધાન સામે સતર્ક રહેવા ભારપૂર્વક જણાવ્યું હતું.
‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના
મજબૂત કરતા વડાપ્રધાનએ કહ્યું કે,
એકતા રાષ્ટ્ર અને સમાજના અસ્તિત્વનો મૂળ આધાર છે; જ્યાં સુધી સમાજમાં એકતા છે, ત્યાં સુધી રાષ્ટ્રની અખંડિતતા સુરક્ષિત છે.
વિકસિત ભારતના લક્ષ્ય તરફ પહોંચવા માટે એકતા તોડનારા દરેક ષડયંત્રને એકતાની તાકાતથી
વિફળ બનાવવું પડશે.
2014 પહેલાં દેશમાં માત્ર
25 કરોડ લોકો પાસે સામાજિક
સુરક્ષા કવચ હતું, જ્યારે આજે આશરે 100 કરોડ લોકોને સામાજિક સુરક્ષા કવચથી આવરી
લેવાયા છે.
વર્લ્ડ બેન્કના તાજેતરના અહેવાલનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન જણાવ્યું કે, છેલ્લાં દસથી બાર વર્ષમાં 25 કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
અગાઉ દર 100 વ્યક્તિમાંથી 27 વ્યક્તિ અતિશય ગરીબીમાં જીવતી હતી, જ્યારે આજે આ સંખ્યા ઘટીને 3થી પણ ઓછી થઈ છે.
આજે વિશ્વ અશાંતિની આગમાં સળગી રહ્યું છે. અનેક દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યાં છે, મોટા દેશોની અર્થવ્યવસ્થાઓ મુશ્કેલીમાં છે, સંસાધનોનું સંકટ વધી રહ્યું છે અને વૈશ્વિક
સપ્લાય ચેઇન ખોરવાઈ રહી છે. આવા સમયમાં ભારતવાસીઓની એકતા જ દેશનું સૌથી મોટું બળ છે
એમ વડાપ્રધાન સ્પષ્ટપણે જણાવ્યું હતું.
તાજેતરમાં ઊર્જા સંકટને કારણે અનેક દેશોમાં ડીઝલ-પેટ્રોલની ખરીદી પર મર્યાદા, ડામાડોળ અર્થતંત્ર, રાજકીય અસ્થિરતાની સ્થિતિ ઊભી થઈ હતી. ભારત
માટે ઈંધણ ના વપરાશ અને આયાત ક્ષેત્રે સૌથી મોટું સંકટ ઊભું થવાની આશંકાઓ વ્યક્ત થઈ
હતી, પરંતુ ભારતે આ વૈશ્વિક
ઊર્જા સંકટની અસર પોતાના નાગરિકો પર પડવા દીધી નથી. આ કૂટનીતિક અને વ્યૂહાત્મક સફળતા
હોવાની સાથે દેશવાસીઓની એકતાનું પણ પરિણામ છે એમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી,
સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સનદી તથા પોલીસ અધિકારીઓ, એન.સી.સી.ના અધિકારીઓ અને બી.એસ.એફ.ના શૌર્ય
ચક્ર વિજેતાઓના પરિવારજનો સહિત સરદારપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.