• રવિવાર, 01 નવેમ્બર, 2026

જૂનાગઢમાં દરગાહે દુવા માટે જતી યુવતી પર છરીની અણીએ દુષ્કર્મ

લગ્નનો ઇનકાર કરતાં યુવતીને ધમકાવી વારંવાર શોષણ કર્યું : પિતા પાસે ફરિયાદ કરવા જતાં જાનથી મારી નાખવાની ધમકી

જૂનાગઢ, તા.31:જૂનાગઢમાં બીમારીમાંથી મુક્તિ માટે દરગાહે દુવા કરવા જતી યુવતી સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. દરગાહના મુંજાવરના પુત્રએ યુવતીને છરી બતાવી ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર શોષણ કરાયું હતું. આ મામલે પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાતાં પોલીસે બંનેની ધરપકડ કરી છે.

જુનાગઢના સંઘાડીયા બજાર વિસ્તારમાં રહેતી યુવતી દરગાહે દર્શન કરવા જતી હોવાથી મુંજાવર જાવેદ કરીમ શેખ સાથે ઘર જેવા સંબંધો બંધાયા હતા. દરમિયાન તેના પુત્ર વાહીદે યુવતી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુવતીએ ઇનકાર કરતાં વાહીદે છરી બતાવી દુષ્કર્મ આચર્યું હતું અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી અલગ અલગ સ્થળોએ શોષણ કર્યું હોવાની ફરિયાદમાં વિગતો છે.

 યુવતીએ આ અંગે જાવેદ શેખને જાણ કરતાં તેણે પુત્રનો બચાવ કરી યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંતે યુવતીએ એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક