• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

ભારત-ઇન્ડિઝ વચ્ચે આજે ચોથી T-20, શ્રેણી વિજય માટે ટીમ ઇન્ડિયા સજ્જ

કેરેબિયન ટીમ માટે શ્રેણી જીવંત રાખવા કરો યા મરો

 હૈદરાબાદ, તા.13 : ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે ચોથી ટી20 મેચમાં વિજય મેળવીને પાંચ મેચની શ્રેણી પોતાનાં નામે કરવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. હાલમાં ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે અને શ્રેણી જીતવા માટે તેને માત્ર એક વિજયની જરૂર છે. જ્યારે કેરેબિયન ટીમ માટે શ્રેણી જીવંત રાખવા કરો યા મરો જેવો મુકાબલો છે.

ભારતીય ટોપ-ઓર્ડર હાલ સારી લયમાં છે. સંજુ સેમસન, ઇશાન કિશન અને ઇન્દોરમાં ત્રીજી ટી20માં 30 બોલમાં 69 રન ઝૂડનાર અભિષેક શર્માએ બાટિંગ મોરચો મજબૂત રાખ્યો છે. જેનાં કારણે મિડલ ઓર્ડર પર દબાણ આવ્યું નથી. જોકે, ટોપ-ઓર્ડર નિષ્ફળ જાય તો તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી અને નમન ધીર જેવા યુવા બેટ્સમેનોએ જવાબદારી ઉપાડવી પડશે. કેરેબિયન ઓલરાઉન્ડર શામાર પ્રિંગરે પણ સ્વીકાર્યું છે કે ભારતીય બેટ્સમેનો સામે બોલરોએ રક્ષણાત્મક વ્યૂહ અપનાવવો પડે છે. વેસ્ટ ઇન્ડિઝ પણ પલટવાર કરવામાં સક્ષમ છે. કેપ્ટન શાઈ હોપ અને શેરફાન રધરફોર્ડ 185થી વધુના સ્ટ્રાઇક રેટથી રન બનાવી રહ્યા છે. હૈદરાબાદનું મેદાન બાટિંગ માટે સ્વર્ગ સમાન છે, જ્યાં ભારતે 2024માં બાંગ્લાદેશ સામે 297 રન ખડક્યા હતા અને સેમસને 111 રન ફટકાર્યા હતા. સેમસન ફરી અહીં યાદગાર ઇનિંગ રમવા આતુર રહેશે. આ મેચ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક