• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

ઓખામાં ભાજપ, થોરિયાળીમાં કોંગ્રેસ અને ભાડથર બેઠક પર ‘આપ’ની જીત

ઓખા નગરપાલિકામાં 36માંથી 33 બેઠક ઉપર ભગવો લહેરાયો

પડધરીની થોરિયાળી બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાડથર બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ મેદાન માર્યુ

રાજકોટ, જામખંભાળિયા, તા.13 ઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી અને પેટાચૂંટણી બાદ આજે ગાંધીનગર મહાપાલિકા, ઓખા નગરપાલિકા, થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સહિત વિવિધ નગરપાલિકા અને પંચાયતની બેઠકો માટે પરિણામો જાહેર થયાં હતાં. જેમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ અને ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે. ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. સૌરાષ્ટ્રની ઓખા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો, જો કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાડથર બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ મેદાન માર્યુ છે આ ઉપરાંત પડધરીની થોરિયાળી બેઠક ઉપર ભાજપ દ્વારા જીતના તમામ પ્રયાસો કરવામાં આવ્યાં હતાં છતાં કેંગ્રેસના ઉમેદવાર વિજેતા થયાં છે. ત

ઓખા નગરપાલિકામાં ભાજપે 36માંથી 33 બેઠકો કબજે કરી છે જ્યારે કોંગ્રેસને 3 બેઠક મળી છે અને આમ આદમી પાર્ટી પોતાનું ખાતુ પણ ખોલાવી શકી નથી. વોર્ડ નં.1માં ભાજપના ચારેય ઉમેદવારો અમીતાબેન જટણીયા, નવીનભાઈ ગોહેલ, નિહાર મોદી તથા હેમાબેન ગોસાઈ વિજેતા થયાં છે. વોર્ડ નં.2માં ભાજપના ફરીદા સુલેમાન, ફિરોઝ કુરેશી, સુરીબાઈ કેર તથા લાખા ચાનપા, વોર્ડ નં.3માં ભાજપના ઉષાબેન ગોહેલ, ફિરોઝ સિદી, ભવ્ય ચાવડા તથા સીમાબેન માણેક વિજેતા થયાં છે.

વોર્ડ નં.4ની ભાજપની પેનલ અગાઉ વિજેતા થઈ હતી. વોર્ડ નં.5માં ભાજપના અલાના હસન, અસગર સુભણીયા, વિભાબેન વ્યાસ તથા સોનલ ચૌહાણ તથા વોર્ડ-6માં ભાજપના અરાવિંદ ચાવડા, ભીનાબેન બુધાભા, મંગુબેન માણેક તથા હરીશ ખાંભલા વિજેતા થયાં છે. કોંગ્રેસે વોર્ડ નં.7માં ખાતુ ખોલાવ્યું છે. અહીં ચારમાંથી ત્રણ ઉમેદવારો આઇશાબેન અનવર, દેવશીભાઈ ગોરડીયા તથા ભીખુભાઇ પરમાર વિજેતા થયા હતા જ્યારે ભાજપના એક માત્ર ઉમેદવાર કંચનબેન કિશોરભાઈ અગ્રાવત વિજેતા થયાં છે.

આ ઉપરાંત વોર્ડ-8માં ભાજપના આરતીબેન સામાણી, કમલેશ રોસીયા, દેવલબાઈ દીપક તથા માલાભા માણેક, વોર્ડ-9માં પણ ભાજપની પેનલના ચારેય ઉમેદવારો વિજેતા થયા હતા જેમાં કેશુભા હાથલ, જોશનાબેન ચાનપા, નિરુબેન કેર તથા હાડાભા માણેકનો સમાવેશ થાય છે. ભાજપે અહીં ચૂંટણી પહેલા જ વોર્ડ ચારની ચારે ચાર બેઠકો ચેતનભા માણેક સહિતના ભાજપના ઉમેદવારોથી વિજેતા થતા કબજે કરી હતી જ્યારે બાકીની 32 બેઠકમાં મત ગણતરી થતા આજે વધુ 29 બેઠકો કબજે કરી છે.

બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાની પંચાયતની ભાડથર બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ વિજય મેળવ્યો છે. ગત વર્ષે યોજાયેલ ચૂંટણીમાં ભાડથર બેઠક પર ભાજપના ડો.પી.વી.કંડોરીયા જીત્યા હતા તે પછી તેઓ અકસ્માતમાં મૃત્યુ પામતા આ બેઠક પર જી.પં.ની સીટની પેટા ચૂંટણી આવી હતી. જેમાં ભાજપે વ્યૂહ વાપરીને મૃતક વિજેતા ઉમેદવાર ડો.કંડોરીયાના ધર્મપત્ની માલતીબેન કંડોરીયાને ઉતાર્યા હતા જેથી સહાનુભૂતિની લહેર જીતાડી દે પરંતુ આમ આદમી પાર્ટીના વિરૂભાઈ કંડોરિયાનો અહીં વિજય થયો છે.

પરિણામો ઉપર દૃષ્ટિપાત કરીએ તો અહીં કોંગ્રેસના ઉમેદવાર આલા ફોગા પિંડારીયાને માત્ર 521 મત મળ્યા છે જ્યારે ભાજપના માલતીબેન કંડોરિયાને 3495 તથા આમ આદમીના વિરાભાઈ કારાભાઈ કંડોરિયાને 7146 તથા નોટાને 99 મત મળ્યા હતા કુલ 11261 મતમાંથી 3651 મતોની લીડથી આમ આદમી પાર્ટીના વિરૂભાઈ અહીંથી વિજેતા થયા છે.

ઉલ્લેખનીય છે કે, આ પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારને જીતાડવા માટે સ્થાનિક નેતાઓ ઉપરાંત રાજયકક્ષાના મહામંત્રીઓનું પણ આ ચૂંટણીમાં આગમન થયું હતું પરંતુ ભાજપના ઉમેદવાર માલતીબેન કંડોરીયાનો આમ આદમી પાર્ટીએ લપડાક આપી છે. રાજ્ય સરકારે માત્ર ચાર પાંચ ઇંચ સમગ્ર ચોમાસાનો વરસાદ હોવા છતાં પણ દુષ્કાળગ્રસ્ત જાહેર ના કરતા તથા પાણીની ઘાસચારાની નબળી સ્થિતિ આ બેઠકમાં ભાજપની હારના મુખ્ય કારણો છે. આગામી 2027માં આવનારી ધારાસભાની ચૂંટણીમાં પણ આ જિલ્લા પંચાયતની બેઠકનું પરિણામ અસરકર્તા થવા સંભાવના મનાય છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક