• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

શું SIRનાં કારણે કોંગ્રેસ 41 વર્ષથી ગુજરાતમાં એકેય ચૂંટણી જીત્યો નથી?

અમિત શાહનો રાહુલ ગાંધી ઉપર જવાબી પ્રહાર ઃ 2029માં પણ એનડીએ જ જીતશે

નવી દિલ્હી, તા.13ઃ ચૂંટણીપંચનાં નિર્ણયો અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે સડકથી સુપ્રીમ કોર્ટ સુધી વિરોધી લડત શરૂ કરતાં લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધી ઉપર આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વળતો જવાબી પ્રહાર કર્યો હતો. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત બાદ તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લાં 41 વર્ષથી ચૂંટણી જીતી શકી નથી. શું આ પણ સરનું પરિણામ છે? રાહુલ ગાંધીને આત્મમંથન કરવાની સલાહ આપતાં અમિત શાહે કહ્યું હતું કે, ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને સરનું પરિણામ ગણાવીને નકારી શકાય નહીં. તેમણે દાવો કર્યો હતો કે 2029ની લોકસભા ચૂંટણીમાં પણ એનડીએ પ્રચંડ બહુમતીથી જીતશે અને કોંગ્રેસને સતત ચોથી વખત હારનો સામનો કરવો પડશે.  ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ઉલ્લેખ કરતાં અમિત શાહે કહ્યું હતું કે, બે નગરપાલિકાઓ અને એક મહાનગરપાલિકાની કુલ 104 બેઠકમાંથી ભાજપે 90 બેઠક પર જીત મેળવી છે. તેમણે જણાવ્યું કે તેમના સંસદીય મતવિસ્તારમાં આવતા ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકોમાંથી ભાજપે 38 બેઠકો જીતી છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ 32 બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ તેના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી.

અમિત શાહે કહ્યું, ગુજરાતમાં ભાજપની આ પ્રચંડ જીત ત્યાંના મતદારોના મિજાજને દર્શાવે છે. ગુજરાતના મતદારો આજે પણ નરેન્દ્ર મોદીની સાથે ખડકની જેમ ઊભા છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં અગાઉની ચૂંટણીની સરખામણીમાં ભાજપના મતદાનની ટકાવારીમાં 10 ટકાનો વધારો થયો છે.

રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું, રાહુલજીને પૂછવા માગું છું કે 41 વર્ષ પછી પણ કોંગ્રેસ ગુજરાતમાં એક પણ ચૂંટણી જીતી શકી નથી. કોંગ્રેસે છેલ્લી ચૂંટણી 1985માં જીતી હતી. ત્યારથી તે સતત હારી રહી છે. શું આ પણ સરનું પરિણામ છે? તમારે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. જે મોટા રાજ્યમાં એક સમયે તમારું શાસન હતું, ત્યાં 41 વર્ષથી ચૂંટણી ન જીતી શકવું એ આત્માચિંતનનો મોટો વિષય છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને પુડુચેરીમાં યોજાયેલી પેટાચૂંટણીઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ ત્રણેય જગ્યાએ કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. નૌગાંવમાં ભાજપના ઉમેદવારે 1.42 લાખ મતોથી જીત મેળવીને કોંગ્રેસ પાસેથી બેઠક છીનવી લીધી છે. નંદીગ્રામમાં ભાજપના ઉમેદવારે 76 ટકા મત મેળવીને 1.22 લાખ મતના અંતરથી જીત નોંધાવી હતી.  બીજી તરફ, પશ્ચિમ બંગાળના રેજીનગરમાં ભાજપે 75 હજારથી વધુ મતોથી જીત મેળવીને તૃણમૂલ કોંગ્રેસ પાસેથી બેઠક આંચકી લીધી હતી. અમિત શાહે જણાવ્યું કે પુડુચેરીમાં એનડીએના સહયોગી પક્ષ એઆઈએનઆરસીના ઉમેદવારે 8,482 મતોથી જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 22 ટકા મત મળ્યા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક