• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

હળવદના ચંદ્રગઢની સીમમાં યુવકની હત્યા

માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકાયા : ખેતરમાં મગફળી ઉપાડવા ગયેલા 27 વર્ષીય યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો

હળવદ, તા.13 : મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ચંદ્રગઢ ગામની સીમમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેતરમાં મગફળી ઉપાડવા ગયેલા 27 વર્ષીય યુવકની અજાણ્યા શખસોએ માથાના ભાગે બોથડ પદાર્થ વડે હુમલો કરીને હત્યા કરી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવકનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલે હળવદ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ચંદ્રગઢ ગામે રહેતા દલવાડી પરિવારના શામજીભાઈ કરશનભાઈ જાદવના ભત્રીજા અનિલભાઈ રામજીભાઈ જાદવ ગઈકાલે બપોરના સમયે પોતાની વાડીએ મગફળી ઉપાડવાના કામ માટે ગયા હતા. જોકે, સાંજ ઢળી જવા છતાં તેઓ ઘરે પરત ફર્યા ન હતા. રાત પડી જતાં અનિલભાઈનાં પત્નીએ તેમના મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સામેથી કોઈ જવાબ મળ્યો નહોતો. આથી પરિવારજનોની ચિંતા વધી હતી અને તેઓ અનિલભાઈની શોધખોળ કરવા તાત્કાલિક વાડીએ પહોંચ્યા હતા. પરિવારજનો વાડીએ પહોંચ્યા ત્યારે ત્યાં ખાટલા પાસે અનિલભાઈ લોહીના ખાબોચિયામાં પડેલા જોવા મળ્યા હતા. તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ જણાતાં અજાણ્યા શખસોએ બોથડ પદાર્થ વડે હુમલો કરીને તેમની હત્યા કરી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું. ઘટનાની જાણ હળવદ પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો મધરાતે ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

આ બનાવ અંગે મૃતકના કાકા શામજીભાઈ જાદવની ફરિયાદના આધારે પોલીસે મોડી રાત્રે આશરે ત્રણ વાગ્યે અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે. યુવકની હત્યા કયાં કારણોસર કરવામાં આવી અને તેની પાછળ કોણ જવાબદાર છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. પોલીસે આસપાસની વાડીઓમાં કામ કરતા ખેતમજૂરો તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક