ખંભાળિયા,તા.2 : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ મથકમાં હંગામો કરવા અને પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરવા બદલ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત 30 શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ઈસુદાન ગઢવી અને જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર સહિત 18 કાર્યકરોની ધરપકડ કર્યા બાદ મોડી રાત્રે તમામને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
ગત
31 માર્ચના રોજ લૂંટના ગુનામાં પકડાયેલા ‘આપ’ના કાર્યકર દીપકના સમર્થનમાં ઈસુદાન ગઢવી
અને અન્ય નેતાઓ રજૂઆત કરવા પોલીસ મથકે પહોંચ્યા હતા. રજૂઆત દરમિયાન મામલો બિચક્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, ટોળાએ ફરજ પરના પીએસઓ સાથે ગેરવર્તન કરી દબાણ લાવવાનો પ્રયાસ
કર્યો હતો અને સોશિયલ મીડિયા પર લાઈવ કરી અરાજકતા ફેલાવી હતી. પોલીસે સમજાવટ કરી હોવા
છતાં ધક્કામુક્કી અને હંગામો ચાલુ રહેતા અંતે બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં
આવ્યો હતો.
આખો
દિવસ ચાલેલા ડ્રામા બાદ પોલીસે ઈસુદાન ગઢવી, રામજીભાઈ પરમાર સહિત 18 લોકોની ધરપકડ કરી
હતી. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોડી રાત્રે આશરે બે વાગ્યે તમામ આરોપીઓને જામીન
પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે હાલ સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમાવો વ્યાપી
ગયો છે.