• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

RCBની નજર પ્લેઓફ અને CSKની પ્રોત્સાહક જીત

બેંગ્લુરુ, તા.2: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ શનિવારે હોમ ગ્રાઉન્ડ પર ચેન્નાઇ સુપર કિંગ્સનો સામનો કરશે ત્યારે તેની નજર આઇપીએલ-202પ સીઝનમાં પ્લેઓફમાં જગ્યા પાકી કરવા પર હશે. મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીની હાજરીને લીધે આ મેચ હાઇ વોલ્ટેજ બની રહેશે કારણ કે ક્રિકેટ પ્રેમીઓ આ બન્ને દિગ્ગજ ખેલાડીને સંભવત: છેલ્લીવાર એક-બીજા સામે રમતા જોવાનો મોકો મળશે. 43 વર્ષીય ધોનીની આ આખરી આઇપીએલ સીઝન માનવામાં આવ છે. તેની ટીમ સીએસકે પ્લેઓફ રેસની બહાર થઇ ચૂકી છે. તેની નજર પ્રોત્સાહક જીત પર અને બીજી ટીમોના સમીકરણ બગાડવા પર હશે.

આ મેચની જીતથી આરસીબીના 16 પોઇન્ટ થઇ જશે. આથી તે પ્લેઓફ રાઉન્ડ માટે લગભગ નિશ્ચિત બની જશે. આ પછી આરસીબીને ત્રણ લીગ મેચ રમવા મળશે. જે પ્રકારે આ ટીમ પ્રદર્શન કરી રહી છે એ જોતાં તેની નજર ટોચની બે ટીમમાં રહેવા પર હશે. જેથી ફાઇનલ રમવા માટે બે મેચના મોકા મળે. બીજી તરફ સીએસકેની સફર સમાપ્ત થઇ ચૂકી છે. તેના ખાતામાં 10 મેચમાં માત્ર ચાર અંક છે. પ્લેઓફની બહાર થઇ ચૂકેલી ધોનીની ટીમ આરસીબીના સમીકરણ બગાડવાની કોઇ કસર છોડશે નહીં. જો કે આ માટે સીએસકેના ખેલાડીઓએ તમામ મોરચે ધરખમ દેખાવ કરવો પડશે.

આ મેચમાં બધાની નજર ધોની-કોહલી પર રહેશે. કોહલી શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે. તે સીઝનમાં 443 રન કરી ચૂકયો છે અને ફરી ઓરેન્જ કેપ હાંસલ કરવાની કોશિશમાં છે.

બીજી તરફ ધોની હવે તેની ચમક ગુમાવી ચૂક્યો છે અને વર્તમાન આઇપીએલ સીઝન તેની આખરી ટૂર્નામેન્ટ માનવામાં આવે છે. જો કે ધોનીનો ક્રેઝ હજુ અકબંધ છે. કોઇ પણ મેદાન પર માહીના ચાહકોનો જોશ જોવા જેવો હોય છે. બેંગ્લુરુ માટે વિરાટ કોહલી કિંગ છે, તો ધોની કિંગમેકર છે. ચાહકો ધોની અને કોહલીની આ સંભવત: આખરી ટક્કર રોમાંચક બની રહે તેવી ઇચ્છા ધરાવે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક