• રવિવાર, 21 જુલાઈ, 2024

દ્રવિડને મળવો જોઈએ ભારત રત્ન : ગાવસ્કર દેશવાસીઓને અપીલ કરી કે દ્રવિડને ભારત રત્ન મળે તે માટે સાથે મળી માગ કરે

નવી દિલ્હી, તા. 8 : પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરના માનવા પ્રમાણે રાહુલ દ્રવિડ ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત થવાનો હકદાર  છે. 51 વર્ષિય દ્રવિડે ભારતીય ક્રિકેટ માટે જીવન સમર્પિત કર્યું છે. પહેલા 16 વર્ષ ખેલાડી તરીકે દેશની સેવા કરી છે અને હવે કોચ તેમજ એનસીએ પ્રમુખ બનીને ભારતીય ક્રિકેટમાં યોગદાન આપે છે. રાહુલ દ્રવિડે ભારત માટે 164 ટેસ્ટ, 344 વનડે અને 1 ટી20 મેચ રમ્યો છે. બાદમાં નવેમ્બર 2021થી જુન 2024 સુધી ભારતના હેડ કોચના રૂપમાં કામ કર્યું છે. દ્રવિડના માર્ગદર્શનમાં ટી20 ખિતાબ જીત્યો છે. આ પહેલા રાહુલ અંડર-19 ટીમને કોચિંગ આપી ચુક્યો છે અને એનસીએ પ્રમુખ પણ હતો.

ગાવસ્કરે પોતાની કોલમમાં લખ્યું છે કે ભારત સરકારે દ્રવિડને ભારત રત્ન સન્માન આપવું જોઈએ. દ્રવિડ મહાન ખેલાડી અને કેપ્ટન છે. જેણે વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડમાં પ્રસિદ્ધ વિદેશી શ્રેણી જીતી છે. રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના અધ્યક્ષ પદે રહીને ખેલાડીઓના કૌશલ્ય ઉપર ધ્યાન આપ્યું છે અને પછી સીનિયર ટીમને કોચિંગ આપ્યું છે. દ્રવિડની ઉપલબ્ધીઓએ તમામ દળ, જાતિ, પંથ અને સમુદાયના લોકોને અને પુરા દેશને ખુશી આપી છે. નિશ્ચિત રીતે આ દેશ દ્વારા અપાતું સર્વોચ્ચ સન્માન છે. તમામ લોકો મળીને ભારત સરકાર સમક્ષ દ્રવિડને ભારત રત્ન આપવાની માગ કરે. દ્રવિડ 2005માં ભારતનો કેપ્ટન બન્યો હતો અને 2006માં વેસ્ટ ઈન્ડિઝમાં તેમજ 2007માં ઈંગ્લેન્ડમાં ભારતને ટેસ્ટ શ્રેણી જીતાડી હતી. દ્રવિડે 2012માં ખેલાડી તરીકે સંન્યાસ લેતા પહેલા ટેસ્ટમાં 13288 અને વનડેમાં 10889 રન કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક