વડોદરા,
તા.2 : દક્ષિણ ભારતથી ગુજરાતમાં આવતી લાંબા અંતરની ટ્રેનમાં ફરી એક વખત ગાંજાના જથ્થાની
હેરાફેરી ઝડપાઈ છે. કોઇમ્બતુર-જયપુર સ્પેશિયલ ટ્રેનના કોચમાં શૌચાલય પાસે મૂકેલા એક
થેલામાં રૂા.11 લાખ કિંમતનો 22 કિલો ગાંજાનો જથ્થો રેલવેએ ઝડપી પાડયો છે.
પ્રાપ્ત
માહિતી મુજબ કોઇમ્બતુર-જયપુર સ્પેશિયલ ટ્રેનના બી-12 કોચના બાથરૂમ પાસે શંકાસ્પદ સામાન
ભરેલી પ્લાસ્ટિકની થેલી પડેલી છે તેવો મેસેજ મળતા ટ્રેનમાં હાજર રેલવે કર્મચારીએ આરપીએફને
બાતમી આપતા આરપીએફ તેમજ પોલીસ દ્વારા ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-6
પર આવતા કોચમાં તપાસ કરી હતી. કોચના બાથરૂમ પાસે એક કોથળો અને ટ્રોલીબેગ પડેલી હતી.
પોલીસે ટ્રોલીબેગમાં તપાસ કરતા તે ખાલી જણાઈ હતી. આ દરમિયાન કોથળો તેમજ બેગને નીચે
ઉતારી તપાસ હાથ ધરવામાં આવી હતી મીણિયા કોથળામાં ખાખી કલરની સેલોટેપ વિંટાડેલ 11 પેકેટ
મળ્યાં હતાં. એક પેકેટ ખોલીને તપાસ કરતાં તેમાં વનસ્પતિજન્ય નશીલો પદાર્થ હોવાનું જણાયું
હતું. આ અંગે એફએસએલની મદદ લેતા તે નશાકારક ગાંજાનો જથ્થો હોવાનો રિપોર્ટ મળતા પોલીસે
કુલ રૂા.11 લાખ કિંમતનો 22 કિલો ગાંજો મૂકેલા 11 પેકેટો કબજે કર્યા હતાં અને અજાણ્યા
શખસ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.