• મંગળવાર, 03 માર્ચ, 2026

કાલવાણી ગામે પંચાયતના બોરમાં મોટર ઉતારવા મુદ્દે સરપંચને પૂર્વ સરપંચની ધમકી

જૂનાગઢ તા.2 : કેશોદ તાલુકાના કાલવાણી ગામે પંચાયતના બોરમાં ગ્રામજનો માટે મોટર ઉતારવાના મુદ્દે સરપંચને પૂર્વ સરપંચે દાતરડા સાથે હુમલાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. 

આ અંગેની વિગત પ્રમાણે કાલવાણી ગામમાં પીવાના પાણીની તંગી ઊભી થતા ગ્રામ પંચાયતના બોરમાં પંચાયતની મોટર ઉતારવા માટે સરપંચ નરેન્દ્રાસિંહ જયાસિંહભાઈ દયાતર અને સભ્ય ત્યાં પહોંચતા આ બોરમાં ગામના પૂર્વ સરપંચ અમુભાઈ ધનાભાઈ ધાનાએ પોતાની મોટર ઉતારેલી હોય તેથી સરપંચે ગ્રામજનો માટે પંચાયતની મોટર ઉતારવાનુ કહેતા પૂર્વ સરપંચ અમુભાઇ ધનાભાઈ અને તેમના પત્ની હંસાબેન ઉશ્કેરાય સરપંચને ગાળો કાઢી દાતરડા વડે હુમલાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

પૂર્વ સરપંચે જણાવ્યું કે આ બોર મારા માટે છે તેથી આમાં પંચાયતની મોટર ઉતરશે નહીં. તારા જેવા ઘણા સરપંચો આવ્યા ને ગયા તેમ કહી અહીં પંચાયતની મોટર ઉતારવાનો પ્રયાસ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની સરપંચ નરેન્દ્રાસિંહ જયાસિંહ દયાતરે કેશોદ પોલીસમાં પૂર્વ સરપંચ અમુભાઈ ધનાભાઈ ધાના અને તેમના પત્ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક