જાપાન-રશિયા
જેવા દિગ્ગજોને પછાડી : અમેરિકા, ચીન બાદ ભારતનું સ્થાન
નવી
દિલ્હી, તા. 23 : વૈશ્વિક સ્તરે ભારતની તાકાત અને પ્રભાવમાં સતત વધારો થઈ રહ્યો છે,
જેના પર હવે આંતરરાષ્ટ્રીય રેન્કિંગ એજન્સીઓએ પણ મહોર મારી છે. ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત
સંસ્થા ‘ધ લોવી ઇન્સ્ટિટયૂટ’ દ્વારા જાહેર કરાયેલા ‘એશિયા પાવર ઇન્ડેક્સ 2026’માં ભારત
ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
આ યાદીમાં
હવે ભારતથી આગળ માત્ર અમેરિકા અને ચીન જ છે, જ્યારે જાપાન અને રશિયા જેવા દિગ્ગજ દેશો
પણ ભારતથી પાછળ રહી ગયા છે. ખાસ વાત એ છે કે, ભારતનો સ્કોર વધીને 40.5 થયો છે અને વર્ષ
2018 પછી પહેલીવાર ભારત અને ચીન વચ્ચેની શક્તિનું અંતર સૌથી નીચલા સ્તરે પહોંચ્યું
છે.
લોવી
ઇન્સ્ટિટયૂટની 2026નાં રેન્કિંગ મુજબ, અમેરિકા 78.9 અંકો સાથે પ્રથમ સ્થાને અને ચીન
73.6 અંકો સાથે બીજા સ્થાને યથાવત છે. ભારતે 40.5 અંકો સાથે ત્રીજું સ્થાન હાંસલ કર્યું
છે, જે ચોથા ક્રમે રહેલા જાપાન (38.6 અંક) અને પાંચમા ક્રમે રહેલા રશિયા (32.2 અંક)
કરતાં ઘણું આગળ છે. આ પ્રદર્શન એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં ભારતની વધતી જતી વ્યૂહાત્મક
અને રાજદ્વારી મજબૂતીને સ્પષ્ટપણે દર્શાવે છે.
ઓસ્ટ્રેલિયાના
સિડનીમાં આવેલી લોવી ઇન્સ્ટિટયૂટ એક સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય થિંક ટેન્ક છે, જેની સ્થાપના
2003માં સર ફ્રેન્ક લોવી દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થા વૈશ્વિક રાજનીતિ, વિદેશનીતિ,
સુરક્ષા અને અર્થવ્યવસ્થા પર સંશોધન કરે છે. વર્ષ 2018થી દર વર્ષે આ સંસ્થા દ્વારા
એશિયા પાવર ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે, જેમાં 131 જેટલા વિવિધ માપદંડના આધારે એશિયાના
27 દેશ અને પ્રદેશોની શક્તિ તેમજ પ્રભાવનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
એશિયા
પાવર ઇન્ડેક્સના ડાયરેક્ટર હન્ટર માર્સ્ટને પણ સોશિયલ મીડિયા પર ભારતની આ સિદ્ધિની
પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે, ભારતનો સ્કોર 40.5 થવાથી એક મોટી મહાસત્તા તરીકે
તેનું સ્થાન વધુ મજબૂત બન્યું છે. આ રિપોર્ટમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે, આર્થિક
ક્ષમતામાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હોવા છતાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનાપિંગ બાદ વડાપ્રધાન
નરેન્દ્ર મોદીને એશિયા ક્ષેત્રના બીજા સૌથી પ્રભાવશાળી નેતા માનવામાં આવ્યા છે.