• મંગળવાર, 24 નવેમ્બર, 2026

ભાવનગરમાં પ્રેની બોટલોના બ્લાસ્ટથી ઝૂંપડીમાં આગ

ભંગારની બોટલોના બૂચ હથોડીથી તોડતી વખતે દુર્ઘટનાઃ એક જ પરિવારના 8 સભ્યો દાઝ્યા, એકની હાલત ગંભીર

ભાવનગર, તા.23ઃ શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી મિલની ચાલી ખાતે ભંગારની પ્રે બોટલોમાં અચાનક બ્લાસ્ટ થતાં ઝૂંપડીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના બાળકો અને મહિલાઓ સહિત 7થી 8 સભ્ય દાઝી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પરિવારના સભ્યો ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને સાંજના સમયે પ્રે તથા અત્તરની ખાલી એલ્યુમિનિયમ બોટલોમાંથી લોખંડના બૂચ હથોડી વડે અલગ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ધડાકા સાથે બોટલોમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઝૂંપડીમાં રહેલા પરિવારજનો તેની ઝપેટમાં આવી ગયા હતા. આગ અને ધડાકાના કારણે આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનામાં સોહીલ, રોહિત, કંચનબેન, નંદિની, કાનો અને દિલીપભાઈ સહિત પરિવારના સભ્યો દાઝ્યા હોવાનું જાણવા મળ્યું છે. પાડોશી કમુબેને જણાવ્યું હતું કે અચાનક ધડાકા બાદ સળગતી હાલતમાં બાળકો અને અન્ય સભ્યો ઝૂંપડીમાંથી બહાર દોડતા જોવા મળ્યા હતા. સ્થાનિકોએ પાણી નાખીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ કાબૂમાં આવી નહોતી. ઈજાગ્રસ્ત સાહિલના જણાવ્યા મુજબ, તેમના કાકા ભંગારની બોટલો લાવ્યા હતા અને તેને તોડતી વખતે અચાનક ભડકો થયો હતો.

બનાવની જાણ થતાં તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનાને પગલે ભંગારમાં આવતી જોખમી પ્રે બોટલોનો નિકાલ અને તેને હેન્ડલ કરવાની સલામતી અંગે પણ સવાલો ઊભા થયા છે.

ઇ-પેપરના નવા શુલ્ક