• બુધવાર, 03 જૂન, 2026

તૃણમૂલ નેતાઓ ઉપર હુમલાના વિરોધમાં મમતાનું પ્રદર્શન

કોલકતા, તા.2 : તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ પર થયેલા હુમલાઓના વિરોધમાં મમતા બેનરજી આજે વિરોધ પ્રદર્શન કરવા માટે કોલકતાનાં રાની રશ્મોની એવન્યૂ પહોંચી ગયાં હતાં. આ વિરોધ પ્રદર્શનમાં તૃણમૂલના અનેક વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો પણ જોડાયા હતા. કોલકાતા પોલીસે પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્યમંત્રીને વાય સર્કલ ખાતે ધરણા-પ્રદર્શન કરવાની મંજૂરી આપી નહોતી.

 જેને પગલે મમતાએ કહ્યું હતું કે, ભલે કોલકતા પોલીસ તેમની ધરપકડ કરે પણ તેઓ લોકતાંત્રિક ઢબે પોતાનું પ્રદર્શન જારી રાખશે.  તૃણમૂલનો આરોપ છે કે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી તેમજ વરિષ્ઠ નેતા કલ્યાણ બેનરજી સહિત અનેક નેતાઓને રાજકીય રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેના વિરોધમાં પાર્ટીએ આ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ પહેલાં મમતા બેનરજીએ પાર્ટીના નેતાઓ સાથે મળીને ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને પછી તેઓ સીધા રાણી રશ્મોની એવન્યુ પહોંચ્યાં અને વિરોધ પ્રદર્શનમાં જોડાયાં.

તૃણમૂલ નેતાઓનું કહેવું છે કે વિરોધ પક્ષો અને કેટલીક એજન્સીઓ રાજકીય વેરભાવના કારણે તેમની પાર્ટીના નેતાઓને હેરાન કરી રહી છે. પાર્ટીએ આ મુદ્દે કેન્દ્ર સરકાર ઉપર પણ નિશાન સાધ્યું છે. રાણી રશ્મોની એવન્યુ ખાતે યોજાયેલા આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા. તૃણમૂલે સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીના નેતાઓ પર થતા કથિત હુમલા અને રાજકીય ઉત્પીડન સામે તેનો વિરોધ આગળ પણ ચાલુ રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક