યુએસ અને યુરોપિયન દેશો પાસેથી વધુ સમર્થનની ઝેલેન્સ્કીની અપીલ
કિવ,
તા. 2 (પીટીઆઈ) : રશિયાએ કિવ અને અન્ય યુક્રેનિયન શહેરો પર રાતોરાત સેંકડો ડ્રોન અને
ડઝનબંધ મિસાઇલ વડે હુમલો કરતાં ઓછામાં ઓછા 16 નાગરિકના મોત થયા હતા, જ્યારે 100થી વધુ
લોકો ઘાયલ થયા હતા, તો મોટાપાયે નુકસાન થયું હતું. આ હુમલા બાદ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ
યુએસ અને યુરોપિયન દેશો પાસેથી વધુ સમર્થન મેળવવા વિનંતી કરી હતી.
રશિયાએ
યુક્રેનમાં 73 મિસાઇલો અને 656 ડ્રોન છોડ્યા, જેમાં મુખ્ય લક્ષ્યો કિવ, મધ્ય શહેર ડનીરો
અને પૂર્વીય શહેરો પોલ્ટાવા, ખાર્કિવ અને ઝાપોરિઝ્ઝિયા હતા. યુક્રેનિયન હવાઈ સંરક્ષણ
દળોએ 40 મિસાઇલ અને 602 ડ્રોનનો નાશ કર્યો હોવાનો દાવો કર્યો હતો.
અધિકારીઓએ
જણાવ્યું હતું કે, કાટમાળ ખોદતાં કર્મચારીઓએ મધ્ય યુક્રેનિયન શહેર ડનીરોમાં ત્રણ વર્ષના
બાળકનો મૃતદેહ અને એક માતા અને તેના આઠ વર્ષના પુત્રના મૃતદેહને બહાર કાઢ્યા હતા.
રશિયાએ
ચેતવણી આપી હતી કે, એક મોટો હવાઈ હુમલો થઈ રહ્યો છે અને વિદેશી રાજદ્વારીઓને યુક્રેનની
રાજધાની છોડી દેવાની ચેતવણી આપવામાં આવી હતી, જેના પછી કિવના રહેવાસીઓ ઘણા દિવસોથી
ભયભીત હતા. દરમિયાન, આ હુમલો કરાયો હતો.
કિવ
નિવાસી ઇરીના સલિકોવા, 37, તેની 3 વર્ષની પુત્રી સાથે રક્ષણ માટે બાથટબમાં સૂતી રાત
વિતાવી, કારણ કે સમગ્ર શહેરમાં વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો. તેમણે જણાવ્યું હતું કે,
અમારી બારી તૂટી ગઈ હતી, એક પથ્થર બાળકોના રૂમમાં આવ્યો હતો. જોકે કોઈ નુકસાન થયું
ન હતું.
નોંધનીય
છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે મોસ્કોના હવાઈ અભિયાનને વધુ
તીવ્ર બનાવ્યું છે, રશિયન દળોએ તાજેતરમાં ચાર વર્ષના યુદ્ધમાં ફક્ત ત્રીજી વખત શક્તિશાળી
હાઇપરસોનિક ઓરેશ્નિક બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરી છે.