• રવિવાર, 31 મે, 2026

ટેટ સામે શિક્ષકો બહાર-વટે ચડશે !

ટેટની અનિવાર્યતા યથાવત રાખતા સુપ્રીમનાં ફરમાન પછી લાખો શિક્ષકોની નોકરી ઉપર લટકતી તલવાર : સડકથી સંસદ સુધી લડી લેવાની તૈયારી

નવી દિલ્હી, તા.30: શિક્ષક પાત્રતા કસોટી(ટીઈટી)ની અનિવાર્યતા અંગે ફેરવિચાર કરવા સુપ્રીમ કોર્ટ દ્વારા શુક્રવારે ઈનકાર કરી દેવામાં આવ્યા બાદ દેશનાં આશરે 2પ લાખ જેટલા શિક્ષકોની નોકરી ઉપર તલવાર લટકવા લાગી છે. સુપ્રીમ કોર્ટનાં ચુકાદાથી લાખો શિક્ષકો બેચેનીમાં મૂકાઈ ગયા છે. નોન ટીઈટી ક્વોલિફાઈડ ટીચરો સામે આવેલા આ ફેંસલા પછી શિક્ષક સંગઠનોએ સખત નારાજગી વ્યક્ત કરી છે અને હવે સંસદથી સડકી સુધી આરપારની લડાઈનો બૂંગિયો વગાડયો હતો.

ટીઈટીની પરીક્ષા અનિવાર્ય જ રહેશે અને સુપ્રીમ કોર્ટે શિક્ષકોને આ પરીક્ષા પાસ કરવા માટેની અવધિ ઓગસ્ટ 2028 સુધી લંબાવી દીધી છે. જેનાં હિસાબે યુપીમાં 1.86 લાખથી વધુ અને દેશમાં 20 લાખથી વધુ શિક્ષકો પ્રભાવિત થવાનાં છે. નોકરીમાં ટકી રહેવા કે બઢતી માટે શિક્ષકોએ ટેટ આપવી જરૂરી જ રહેશે અને તેનાં હિસાબે પ્રાથમિક શિક્ષકો ચિંતામાં મૂકાઈ ગયા છે કારણ કે દેશમાં લાખો શિક્ષકો ટેટ પાસ કર્યા વિના જ શાળાઓમાં ભણાવી રહ્યાં છે. હવે તેમણે ત્રણ વર્ષ એટલે કે 31 ઓગસ્ટ 2028 સુધીમાં ટેટ પાસ કરી લેવી પડશે. જો નહીં કરે તો તેમને રાજીનામુ આપવું પડશે અથવા તો તેમને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવશે.

હવે અખિલ ભારતીય સંયુક્ત શિક્ષક મહાસંઘનાં મહામંત્રી દિલીપ ચૌહાણે કેન્દ્ર સરકાર સમક્ષ માગ કરી છે કે, તે વટહુકમ લાવીને ટેટની અનિવાર્યતામાંથી છૂટ અપાવે. મહાસંઘનાં સંયોજક અને ઓલ ઈન્ડિયા બીટીસી શિક્ષક સંઘનાં અધ્યક્ષ અનિલ યાદવનું કહેવું છે કે, શિક્ષકો સંગઠિત થઈને મજબૂતી સાથે આંદોલન શરૂ કરશે. ટીચર ફેડરેશન ઓફ ઈન્ડિયા(ટીએફઆઈ)નાં કહેવા અનુસાર શિક્ષકો આમાં હાર નહીં માને અને આમાં સુધારણા અરજી પણ દાખલ કરવામાં આવશે. ફરી એકવાર સડક ઉપર આંદોલન શરૂ કરવામાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક