સુરત, તા.23 : હીરાઉદ્યોગ અને બાંધકામ ઉદ્યોગમાં ટોચનું નામ ધરાવતા લક્ષ્મી ગ્રુપના ગજેરા બંધુઓ સામે છેતરાપિંડી, ફોર્જરી, વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પીપલોદમાં રહેતા અને બાંધકામ સ્ટીલનો ધંધો કરતા પ્રવીણ અગ્રવાલે વસંત ગજેરા, ચુનીભાઈ ગજેરા સહિતના ગજેરા બંધુઓ સામે કરોડો રૂપિયાની છેતરાપિંડીની ફરિયાદ કરી છે. હાઇ કોર્ટના આદેશ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે.
પ્રવીણ દેવકીનંદ અગ્રવાલની ફરિયાદમાં
જણાવાયું છે કે, વર્ષ 2010માં તેઓ શાંતિ રેસિડેન્સીમાં ભાગીદાર તરીકે જોડાયા હતા. કંપનીમાં
તેમની પત્ની અને પિતાની મળી કુલ 43 ટકા હિસ્સેદારી હતી. ગજેરા બંધુઓએ કાવતરું રચી તેમને
ડાયરેક્ટર પદેથી રાજીનામું અપાવી દીધું હતું. વર્ષ 2015નો એક બનાવટી પત્ર તેમની બોગસ
સહી સાથે ઊભો કરાયો હતો. આરોપીઓએ સરકારી રેકોર્ડમાં ફેરફાર કરવા માટે ગૌતમ પ્રજાપતિ
નામના ડીલર મારફત બોગસ ડિજીટલ સહીઓ કરાવી હતી.
ફરિયાદમાં વધુ જણાવવામાં આવ્યું
હતું કે, મિલેનિયમ 2 અને મિલેનિયમ ટેક્સટાઇલ માર્કટ-4માં અંદાજે 413 અને 185 દુકાનોના
વેચાણ દસ્તાવેજોમાં જંત્રી મુજબની માત્ર સાતથી 16 ટકા રકમ જ ચેકથી બતાવી બાકીની 84
ટકા રકમ રોકડેથી મેળવી કંપનીના રેકોર્ડ પર બતાવ્યા વિના નાણાંની ઉચાપત કરી હતી. આ રકમનો
ઉપયોગ આરોપી ગજેરા બંધુઓએ તેમની મિલકતો ખરીદવા માટે કર્યો હતો. કુલ રૂા.147.50 કરોડની
રકમનો લાભ લેવા માટે કંપનીના ડાયરેક્ટરોએ સત્તાનો દુરુપયોગ કર્યો હતો. સમગ્ર કેસમાં
ગજેરા બંધુ અને મળતિયાઓએ અંદાજે રૂા. 1928 કરોડની ફાર્જરી કરી હોવાનો આક્ષેપ ફરિયાદમાં
થયો છે.