• શનિવાર, 28 નવેમ્બર, 2026

કપાસના પાક વચ્ચે રૂ. 50.10 લાખની કિંમતના 100 કિલો ગાંજાનું વાવેતર

ભાવનગર પોલીસે ઝુંબેશ સઘન બનાવી, નાર્કોટિક્સના બે કેસ નોંધાયા

ભાવનગર, તા. 27  : ‘ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા’ અને ‘ડ્રગ્સ ફ્રી ગુજરાત’ અભિયાન અંતર્ગત ‘નો ડ્રગ્સ ઇન ભાવનગર, ડ્રગ્સ ફ્રી ભાવનગર’ સૂત્ર સાથે ભાવનગર પોલીસે નાર્કોટિક્સ સામે લાલ આંખ કરી સઘન ઝુંબેશ તેજ બનાવી છે.  ભાવનગર પોલીસે બે અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરીને રૂ.50 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓને ઝડપી પાડયા છે.

ભાવનગર રેન્જના આઈ.જી.પી. રાજેન્દ્ર અસારી અને જિલ્લાનું પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની રાહબરી હેઠળ ચાલી રહેલી આ ઝુંબેશમાં બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારના કળમોદર ગામે કપાસના પાક વચ્ચે છૂપી રીતે વાવેતર કરાયેલા ગાંજાના 161 છોડ મળી આવ્યા હતા. આ છોડનું વજન 100.21 કિલો અને કિંમત રૂ.50 લાખ 10 હજાર આંકવામાં આવી છે, જે મુદ્દામાલ સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ કાર્યવાહી દરમિયાન 93 ગ્રામ સૂકો ગાંજો (કિંમત રૂ.4,650) જપ્ત કરીને એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.

 યુવાનોમાં માદક પદાર્થોના દુરુપયોગને રોકવા માટે સરકાર દ્વારા ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ શરૂ કરાયું છે. તેના ભાગરૂપે ભાવનગર પોલીસે વિઝીબલ એડિક્શન ઉપરાંત એનઆરએક્સ ડ્રગ્સ (કફ સિરપ જેવી દવાઓનો નશા તરીકે દુરુપયોગ) જેવા ઇનવિઝીબલ એડિક્શનમાંથી યુવાનોને બહાર લાવવા ‘ઓપરેશન સંકલ્પ’ હેઠળ ‘સંકલ્પ’ એપ્લિકેશન વિકસાવી લોંચ કરી છે, જેના માધ્યમથી વ્યસનીઓના રિહેબિલિટેશનની કામગીરી કરવામાં આવે છે.

પોલીસ તંત્રના આંકડા મુજબ, સને 2026માં એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 35 કેસ નોંધાયા છે, જેમાં 01/01/2026થી શરૂ કરાયેલી વિશેષ ઝુંબેશ દરમિયાન ગછડ્ઢ ડ્રગ્સના 16 કેસમાં 46 આરોપીઓ પાસેથી 4,588 કોડેઇન બોટલ સહિત અન્ય ડ્રગ્સ જપ્ત કરાયું છે.

ભૂતકાળના આરોપીઓ પર વોચ અને મિલકત જપ્તી

નાર્કોટિક્સના દૂષણને જડમૂળથી ખતમ કરવા પોલીસે માઈક્રો પ્લાનિંગ કરીને સને 2020થી ચાલુ વર્ષ સુધી નોંધાયેલા કુલ 130 કેસના 277 આરોપીઓની યાદી તૈયાર કરી છે. જેલમાંથી છૂટેલા આરોપીઓ અને તેમની સાથે સંકળાયેલા શખ્સોની વર્તમાન પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આગામી સમયમાં આરોપીઓ સામે એનપીડીએસ હેઠળ કાર્યવાહી કરવાની સાથે નાર્કોટિક્સની આવકમાંથી ઊભી કરાયેલી મિલકતો ટાંચમાં લઈ જપ્ત કરવા તેમજ ગેરકાયદે મિલકતો પર ડિમોલેશનની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક