• શુક્રવાર, 19 જૂન, 2026

શાંતિકાળ શરૂ

અમેરિકા-ઈરાનની અંતે સમજૂતી પર મહોર

યુદ્ધ ખતમ કરતા કરાર પર ટ્રમ્પ-મસૂદે કર્યા હસ્તાક્ષર : હોર્મુઝ ખૂલશે : ઈરાનને 28 લાખ કરોડ ડોલર મળશે, બદલામાં તેહરાન પરમાણુ હથિયાર નહીં બનાવે

 

નવી દિલ્હી, તા. 18 : દુનિયાભરને પગના અંગૂઠા પર ઊભી રાખી દેનાર કાળમુખાં યુદ્ધનો વિધિવત અંત આવ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવા માટે વચગાળાની સમજૂતી પર અંતે એક દિવસ વહેલા હસ્તાક્ષર થઈ ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારની  રાત્રે ફ્રાન્સના વર્સાય પેલેસમાં સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોં આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

સમજૂતી પર હસ્તાક્ષર કર્યા બાદ વર્સાય પેલેસથી બહાર આવેલા ટ્રમ્પે પત્રકારોના પ્રશ્નોના જવાબમાં ઉત્સાહભર્યા મોટા અવાજે કહ્યું હતું કે, સમજૂતી પર હસ્તાક્ષર થઈ ગયા છે.

આ સમજૂતી હેઠળ ઈરાનને 28 લાખ કરોડ ડોલરનું વળતર મળશે. બદલામાં ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવે.

ટ્રમ્પ બાદ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પણ ઈરાનમાં ભારતીય સમય મુજબ ગુરુવારની સવારે સાડા પાંચ વાગ્યે સમજૂતી પર ઈલેક્ટ્રોનિક હસ્તાક્ષર કર્યા હતા.

બન્ને નેતાના હસ્તાક્ષર સાથે જ આ સમજૂતી તાત્કાલિક અસરથી અમલી થઈ ગઈ છે. આ સમજૂતી હેઠળ ઈરાન અને લેબેનોનમાં સૈન્ય પગલાં ખતમ કરાશે.

 સાથોસાથ દુનિયાભરના દેશોના જીવ અદ્ધર કરી દેનાર હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલાશે અને અમેરિકાના નૌકાદળની નાકાબંધી પણ હટાવી દેવાશે.

 આમ તો યુદ્ધ ખતમ કરવા માટેના વચગાળાના સમજૂતી કરાર પર આવતીકાલે શુક્રવારે સ્વિત્ઝર્લેન્ડનાં જીનિવામાં હસ્તાક્ષર થવાના હતા. જીનિવાના લુસર્ન શહેરનાં સ્થાને ફ્રાન્સમાં જ એક દિવસ પહેલાં હસ્તાક્ષર થઈ ગયા છે.

 સમજૂતી પર હસ્તાક્ષર થઈ ગયા હોવાનું એલાન થતાંની સાથે જ હોર્મુઝ સ્ટ્રેટમાં વિવિધ દેશોને તેલ - ગેસ પહેંચાડનારાં જહાજોની અવર-જવરે ગતિ પકડી હતી.

સમજૂતીની સકારાત્મક અસર રૂપે ગુરુવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ બે ટકા ઘટતાં 78 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું હતું.

યુદ્ધ દરમ્યાન કિંમત 114.44 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઈ હતી, એ જોતાં હવે ક્રૂડતેલ 35 ડોલર સસ્તું થઈ ચૂક્યું છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઈરાન પાસે કેટલાક બેલેસ્ટિક મિસાઈલ છે તેમાં કંઈ ખોટું નથી, પરંતુ અસલી ચિંતા પરમાણુ હથિયારોની છે.

ઇ-પેપરના નવા શુલ્ક