4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, મુખ્ય આરોપી સહિત અન્ય ત્રણ સામે ગુનો દાખલ
પોરબંદર,
તા.12: સાંદીપનિ રોડ પર આવેલા કલેક્ટરના ઇન્સ્પેક્શન બંગલાના એક ડેલામાં લોકલ ક્રાઈમ
બ્રાન્ચ (કઈઇ)ની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને હાઈટેક પદ્ધતિથી ચાલતી નકલી વિદેશી
દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી 4,01,106ની કિંમતનો મુદ્દામાલ
કબજે કરીને સૂત્રધાર બાબુ કેશવ ઓડેદરા (ઉં.વ. 52) ની ધરપકડ કરી છે.
પોલીસ
તપાસમાં સામે આવ્યું છે કે, આ ફેક્ટરી ખૂબ જ ટેકનિકલ રીતે ચલાવવામાં આવતી હતી. ડેલામાં
રાખેલા 500 લીટરના પ્લાસ્ટિક ટાંકા, કેરબા અને બેરલમાંથી આલ્કોહોલ અને કેમિકલ યુક્ત
કેસરી તેમજ રંગવિહીન પ્રવાહી મળી આવ્યું હતું. આ કેમિકલ, પાણી અને દારૂને મિક્સ કરવા
માટે ઇલેક્ટ્રિક મોટર સાથે સ્ટીલની પાઇપ અને ગ્રાઇન્ડિંગ પંખો ગોઠવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, દારૂ માપવા માટેનું આલ્કોહોલ મીટર અને 7 નંગ ઇન્જેક્શન પણ મળી આવ્યા હતા.
પોલીસે ડેલામાં ઘાસચારા નીચે છુપાવેલી રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટેગ જેવી નામાંકિત બ્રાન્ડના
માર્કાવાળી નકલી દારૂની 456 બોટલો, 1750 જેટલી કાચની ખાલી બોટલો, બારકોડ સ્ટીકરના રોલ
અને સાલિંગ પટ્ટીઓ પણ જપ્ત કરી છે. પકડાયેલા આરોપી બાબુ ઓડેદરાની પૂછપરછમાં ચોંકાવનારો
ખુલાસો થયો છે કે, રાણાકંડોરણાના રણજીત લીલા ભુતીયા, ભરત લીલા ભુતિયા અને એરડાના ભોલા
દીપક ખુંટી નામના શખ્સોએ આ ડેલો 50,000 માં ભાડે રાખ્યો હતો. આ ત્રણેય ઈસમો અહીં નકલી
દારૂ બનાવી, તેને ઓરિજિનલ ઇંગ્લિશ દારૂ તરીકે બજારમાં ઊંચી કિંમતે વેચતા હતા. પોલીસે
આ ચારેય શખ્સો સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી છે.
પોરબંદરના
સાંદીપનિ વિદ્યા નિકેતન નજીક એક ડેલામાં ભોમિયાવદર ના બાબુ કેશવ ઓડેદરાને નકલી વિદેશી
દારૂની ફેક્ટરીમાં દારૂનું ઉત્પાદન કરતા રંગે હાથ પકડી પાકડયા બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની
ટીમે તેને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં તેના બે દિવસના રિમાન્ડ
મંજૂર થયા છે.